રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિ ઉજવણી નિમિત્તે આ વર્ષે તા. 2જી ઓકટોબરથી 31મી ડિસેમ્બર દરમ્યાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર 20 ટકા વિશેષ વળતરની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.
ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન’ના મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે, લોકો ખાદી વપરાશ અને ખાદી ખરીદી પ્રત્યે આકર્ષાય તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ-અંતરિયાળ કારીગરો અને પરિવારોને વધુ રોજગારી મળે તે માટે આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે.
મહાત્મા ગાંધીજીએ ખાદીને એક વસ્ત્ર નહિ, વિચાર તરીકે સમાજ સમક્ષ પ્રસ્તુત કરી ગ્રામીણ પરિવારો-કારીગરોને રોજગારીથી આર્થિક સક્ષમતાનો જે માર્ગ કંડાર્યો છે તેમાં આ વિશેષ વળતર-પ્રોત્સાહન આપવાનો નિર્ણય સુસંગત બની રહેવાનો છે.
આ નિર્ણય અનુસાર ગુજરાત રાજ્યમાં જ ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રનું ગ્રાહકોને સીધું છૂટક વેચાણ કરતી માન્ય સંસ્થાઓ/મંડળીઓએ ગ્રાહકોને 20 ટકાનું વિશેષ વળતર બજાર પ્રોત્સાહન સહાય આપવાનું રહેશે.
એટલું જ નહિ, આવી સંસ્થાઓને આના પરિણામે જે રકમ મળે તેમાંથી 5 ટકા સહાય ખાદી વણાટ-કાંતણ કરનારા કારીગરોને ઉપલબ્ધ કરાવાશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાતમાં ખાદીની કામગીરી સાથે સંકળાયેલી 165 જેટલી સંસ્થાઓ દ્વારા ખાદી તેમજ પોલીવસ્ત્રનું લગભગ રૂ. 136 કરોડ જેટલું છૂટક વેચાણ થવાનો અંદાજ છે.
2019-20ના આ નાણાંકીય વર્ષમાં 19 હજાર જેટલા ખાદી વણાટ-કાંતણ કારીગરોને આ યોજનાનો લાભ મળવાનો છે.