અક્ષય કુમારની દર વર્ષે ત્રણથી ચાર ફિલ્મો રિલીઝ થતી હોય છે. 2020માં તેની કઈ-કઈ ફિલ્મો આવવાની છે તે અંગે અત્યારથી જ જાહેરાત થઈ ગઈ છે. 2020માં દિવાળીના અવસર પર તેની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ રિલીઝ થવાની છે. હજી તો આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ નથી થયું અને એ પહેલા તો ફિલ્મ સામે મુશ્કેલીનો પહાડ ઉભો થઈ ગયો છે. ચંબલના ડાકૂ મલખાન સિંહે અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ નહીં કરાવની ધમકી આપી છે.
અક્ષય કુમાર રાજા પૃથ્વીરાજ ચૌહાણ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. મલખાન સિંહના જણાવ્યા અનુસાર તેમના પૂર્વજ ખેત સિંહ પૃથ્વીરાજ ચૌહાણના દરબારના મુખ્ય લોકોમાંથી એક છે. ફિલ્મમાં ખેત સિંહના કિરદારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેથી તેણે અક્ષય કુમારને ધમકી આપી છે કે જો તે તેમના તથ્યો અને ઈતિહાસ સાથે કોઈ ચેડા કરશે તો પોતે કોર્ટનો દરવાજો ખખડાવશે.