સ્ટેમ્પ વેન્ડરને ફિઝિકલ સ્ટેમ્પ પેપર ૧લી ઓક્ટોબરના રોજ જમા કરાવી દેવાની સરકારે સૂચના આપી છે. બીજી તરફ ફિઝિકલ સ્ટેમ્પ પેપર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદીને ગુજરાત સ્ટેમ્પ સપ્લાય એન્ડ સેલ્સ રૂલ્સ ૨૦૧૯ની કાયદેસરતાને પડકારતી વેન્ડરોએ હાઇકોર્ટમાં પાંચ પિટિશન કરી છે. શુક્રવારે પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે તમામ પિટિશનોની એકસાથે ૩૦મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવાનો હુક્મ કર્યો છે.
અરજદારોએ જણાવ્યું છે કે, ફિઝિકલ સ્ટેમ્પના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના કારણે ગુજરાતના ૧૨૦૦ સ્ટેમ્પ વેન્ડર બેરોજગાર બનશે. સ્ટેમ્પ વેન્ડરોએ આટલા વર્ષો માત્ર સ્ટેમ્પ વેન્ડર તરીકે જ કામ કર્યું છે. તેઓ પાસે રોજગારીનો બીજો કોઇ વિકલ્પ નથી. આ સ્ટેમ્પ વેન્ડર મોટાભાગના ૫૦ વર્ષથી વધુ વયના છે. તેમને કોમ્પ્યૂટરનું કોઇ જ્ઞા।ન નથી.
જો આ સ્ટેમ્પ વેન્ડરોના ભવિષ્યનો વિચાર નહીં કરવામાં આવે અથવા તેમને વૈકલ્પિક રોજગારી આપવાનો કોઇ નિર્ણય સત્વરે નહીં લેવાય તો સ્ટેમ્પ વેન્ડરો તથા તેમનો પરિવાર રોડ પર આવી જશે. બીજીબાજુ ઇ- સ્ટેમ્પિંગના પુરતા કેન્દ્રો નથી. તેમ જ જાહેર જનતાને પણ ઇ-સ્ટેમ્પિંગ અંગે કોઇ માહિતી નથી. ઇ સ્ટેમ્પની ઉપલબ્ધતાના પ્રશ્નો ઉપસ્થિત થશે.
પક્ષકારોએ લેનાર-આપનાર વિશેની માહિતી ભરવી અને ફોર્મ ભરવું તે પક્ષકારો માટે દયનીય પરિસ્થિતિ ઊભી કરે તેવું છે. વકીલ અને જાહેર જનતાને પારવાર મુશ્કેલી ઊભી થાય તેમ છે. હાલ પુરતો ઇ-સ્ટેમ્પિંગનો નિર્ણય મોકૂફ રાખવામાં આવે અને તમામ રાષ્ટ્રીયકૃત બેંકો, કોર્પોરેશન બેંકો તથા ખાનગી બેંકોમાં ફ્રેન્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઇએ તેવી દાદ માંગી છે.
અરજદારોએ એવી પણ રજૂઆત કરી છે કે, ગુજરાતમાં ૩૩ હજાર કરોડના ફિઝિકલ સ્ટેમ્પ ઉપલબ્ધ છે. તે પરત કરવાથી પણ સરકાર પર આર્થિક અને કાર્યનો બોજો પડશે. અમે સરકારના પારદર્શક વહીવટમાં જોડાવવા તૈયાર છીએ.