રાજ્યમાં અવાર નવાર ડ્રગ્સ ઝડપાયા હોવાના અહેવાલો મળતા હોય છે, ત્યારે આજે ફરી એકવખત યુવાધનને બરબાદ કરવાના ભાગરૂપે અમદાવાદમાંથી મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરીને 1.46 કરોડનું 1.469 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, નીતા ટ્રાવેલ્સની બસમાં મુંબઈથી આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લવાઇ રહ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરીને રૂપિયા 1.46 કરોડનું MD ડ્રગ્સ કબ્જે કર્યું હતું. આ ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે કુલ 7 આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ઢાલગરવાડમાં રહેતા પિતા-પુત્ર મુંબઈ અને ગોવાથી ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હતા. પુત્ર મુંબઈના અસફાકબાવા નામના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવતો હતો. જ્યારે પિતા ડ્રગ્સના કેરિયર છે. કુલ સાત લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી મઝહરના ઘરે તેના પુત્રને ઝડપવા ક્રાઈમ બ્રાન્ચે તેના ઘરે પણ પણ સર્ચ કર્યું હતું. જો કે સહજાદ મળ્યો નહતો. ઘરમાંથી એક પિસ્ટલ અને ત્રણ કારતુસ મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કુલ સાત લોકો સામે ગુનો નોંધી ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ તેમજ ગેરકાયદે હથિયાર રાખવાના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ગોવાથી વાયા મુંબઈથી અમદાવાદ લાવવામાં આવેલું આ દોઢ કરોડનું ડ઼્ગ્સ કોને પહોંચાડવાનું હતું ગોવાથી જે વ્યક્તિએ ડ્રગ્સનો જથ્થો મોકલ્યો છે તે વ્યક્તિ કોણ છે અને કેટલા સમયથી આ પ્રકારે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે અને આ ડ્રગ્સની હેરાફેરીમાં કોણ કોણ સંકળાયેલું છે? તે મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ હાથ ધરી છે.