નવરાત્રીની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે માતા દુર્ગાની મૂર્તિ બનાવવાનું કામ પણ અનેક દિવસો પહેલા શરૂ કરી દેવામાં આવે છે. રવિવારે દરેક ઘરમાં કળશ સ્થાપના થશે અને દુર્ગા પૂજા માટે મૂર્તિ બનવા લાગે છે. આ મૂર્તિ બનાવવા માટે અલગ અલગ વસ્તુઓની જરૂર પડે છે. માન્યતા અનુસાર માતા દુર્ગાની મૂર્તિ બનાવવા માટે ચાર વસ્તુઓ ખૂબ જરૂરી છે. આ વસ્તુઓ વિના માતાની મૂર્તિ બનતી નથી. આ ચાર વસ્તુઓમાં ગંગા કીનારાની માટી, ગૌમૂત્ર, છાણ અને વેશ્યાગૃહની માટીનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ જ્યાં સુધી મૂર્તિની માટીમાં ઉમેરવામાં ન આવે ત્યાં સુધી મૂર્તિ નિર્માણ પૂર્ણ થતું નથી.
વેશ્યાગૃહની માટીનો ઉપયોગ કરવાના કારણ:
સામાજિક દ્રષ્ટિએ વેશ્યાગૃહનું નામ લેવું પણ પાપ ગણાય છે. તેમ છતા માતાની મૂર્તિ બનાવવા માટે આ વસ્તુ અનિવાર્ય છે. તો ચાલો આમ શા માટે કરવામાં આવે છે તેનું કારણ પણ જાણી લઈએ.
1. માન્યતા છે કે જ્યારે કોઈ વ્યક્તિ વેશ્યાગૃહ જાય છે તો પોતાની પવિત્રતા તેના આંગણામાં ત્યાગ કરી દે છે. અર્થાત વ્યક્તિના સારા કર્મ અને શુદ્ધતા તેના ઘરની બહાર રહી જાય છે. તેના કારણે આ આંગણાની માટી સૌથી વધારે પવિત્ર બની જાય છે.
2. વેશ્યાગૃહોમાં રહેતી મહિલાઓને સમાજમાં સ્થાન મળતું નથી. જ્યારે તેમના ઘરની માટી પવિત્ર ગણાય છે. આ કારણે પણ આ માટીનો ઉપયોગ મૂર્તિ નિર્માણમાં કરવામાં આવે છે.
3. તેમના કર્મમાંથી તેમને મુક્તિ મળે તે માટે તેમના આંગણાની માટીનો પ્રયોગ માતાના કાર્યમાં થાય છે જેથી તેમના ખરાબ કર્મનું ફળ તેમને ન મળે.
4. વેશ્યાગૃહમાં રહેતી મહિલાઓને સમાજમાં સ્થાન નથી મળતું, આ રીતે તેમને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે.