અમેરિકાથી કોમર્શિયલ વિમાનમાં ટિકિટ કરીને પાછા ફરેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશવાસીઓની સાથો સાથ પોતાની ત્રીજી પત્ની બુશરા બીબીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો યોગ્ય ઉઠાવ્યો હોવાનો દાવો કરતા ઈમરાન ખાને તેની ક્રેડિટ દેશવાસીઓની સાથો સાથ પત્ની બુશરાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
ઈમરાન ખાન ઉછીના વિમાન દ્વારા અમેરિકા પહોંચ્યા હતાં. અમેરિકાથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ ઉછીના ખીધેલા ખખડધજ વિમાને દગો દેતા ઈમરાન ખાને એરપોર્ટ પર જ કલાકો સુધી રઝળપાટ કર્યા બાદ એક કોમર્શિયલ ફ્લાઈટમાં ટિકિટ ખરીદીને પાકિસ્તાન ફરવું પડ્યું હતું. આ ઘટનાએ ઈમરાન ખાનની દુનિયાભરમાં ફજેતી કરાવી હતી.
એરપોર્ટ પર ઈમરાન ખાનના સ્વાગત માટે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો એકત્ર થયા હતાં. આ પ્રસંગે સમર્થકો અને દેશવાસીઓનો આભાર વ્યક્ત કરતા તેમને કહ્યું હતું કે, સૌથી પહેલા તો હું મારા વતનનો આભાર વ્યક્ત કરૂ છું. જે રીતે તમે મારા માટે દુઓઓ કરી અને તેના જ કારણે હું કાશ્મીર મુદ્દે યુએનમાં મજબુતી સાથે પોતાનો પક્ષ રજુ કરી શક્યો.
ત્રીજી પત્ની બુશરા બીબીનો પણ માન્યો આભાર
ઈમરાન ખાને ખાસ કરીને પોતાની ત્રીજી પત્ની અને 5 બાળકોની માતા બુશરા બીબીનો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું ખાસ કરીને બુશરા બીબીને ધન્યવાદ કરવા માંગુ છું, જેમણે મારા માટે ખુબ જ દુઆઓ માંગી. કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા બદલ ઈમરાને કહ્યું હતું કે, જો દુનિયા આખી પણ કાશ્મીર મામલે કંઈ જ નહીં બોલે તો પણ પાકિસ્તાન કાશ્મીર સાથે જ છે. અમે કાશ્મીરીઓને પડખે છીએ કારણ કે, અમે અલ્લહને ખુશ કરવા માંગીએ છીએ.
દેશવાસીઓને કાશ્મીર મામલે ઉમ્મીદ ના છોડવા અપીલ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવામાં આવ્યા બાદથી જ કાશ્મીર મુદ્દાને પાકિસ્તાન દરેક આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવી રહ્યું છે. કાશ્મીર રાગ ભવિષ્યમાં પણ આલાપતા રહેવાના સંકેત આપતા ઈમરાન ખાને કહ્યું હતું કે, હું તમને સૌને કહેવા માંગુ છું કે, કોઈ પણ ભોગે આશાના છોડતા. સારો અને ખરાબ સમય તો આવતો જતો રહે છે, તેનાથી ગભરાવવાની જરૂર નથી. કાશ્મીરના લોકો આપણા તરફ જોઈ રહ્યાં છે અને અલ્લાહ પણ એ જ ઈચ્છે છે, એક દિવસે તેમને આઝાદી જરૂર મળશે.