સુરતના મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતા કતારગામના વેપારી પાસેથી પંજાબના મોહાલીના પિતા-પુત્રોએ રૂ.10.71 લાખના લેબ્રોન હીરા ખરીદી પેમેન્ટ કર્યું ન હતું અને ઘર બંધ કરી ફરાર થઇ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં કતારગામ હરીદર્શનના ખાડાની સામે સર્જન રેસીડેન્સી સી/104 માં રહેતા 38 વર્ષીય નિલેશભાઈ નાગજીભાઈ જીવાણી હાલ મહિધરપુરા હીરા બજાર રાજરત્ન એપાર્ટમેન્ટમાં હીરાની ઓફિસ ધરાવે છે.
ત્રણ વર્ષ અગાઉ તે મહિધરપુરા હીરાબજારમાં જ રાજપુષ્પ એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા હતા. ત્રણ વર્ષ અગાઉ હીરાબજારમાં દલાલીનું કામ કરતો કૈલાશ ત્રણ વેપારીને તેમની જૂની ઓફિસે આવ્યો હતો. ત્રણેય વેપારીઓએ પોતાની ઓળખ પંજાબના મોહાલીના મુંડી ખરાર ખાતે સેક્ટર 4 માં રહેતા રાજકુમાર અને તેમના બે પુત્રો અરૂણ અને અર્જુન તરીકે આપી હતી.
પિતા-પુત્રોએ અમે દિલ્હી, ચંદીગઢમાં હીરાનો મોટાપાયે વેપાર કરીએ છે તેમ કહી નિલેશભાઈ પાસેથી શરૂઆતમાં રોકડમાં માલ ખરીદી વિશ્વાસ કેળવ્યો હતો અને બાદમાં ઓગસ્ટ 2018થી જાન્યુઆરી 2019 દરમિયાન રૂ.10.72 લાખના લેબ્રોન હીરાનો માલ ખરીદી 30 દિવસમાં પેમેન્ટ ચૂકવવાનો વાયદો કરી લઈ ગયા હતા.
જોકે, મુદત વીતી ગયા બાદ પણ પિતા-પુત્રોએ ખોટા ખોટા બહાના બતાવી વાયદાઓ કર્યાં હતા. આથી નિલેશભાઈએ તેમના પંજાબના ઘરે જઈ તપાસ કરી તો તેમનું ઘર બંધ મળી આવ્યું હતું. આજદિન સુધી પેમેન્ટ નહીં કરનાર અને ફોન પણ રિસીવ કરવાનું બંધ કરનાર પિતા પુત્રો વિરૂદ્ધ મહિધરપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.