રોડ, વાહનવ્યવહાર અને હાઈ-વે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કરવામાં આવતા દંડની રકમ ૧૦ ગણી કરી દેતો સુધારો અમલી બનાવી દીધો. એ સાથે જ આખા દેશના વાહનચાલકો ખળભળી ઊઠયા. સંખ્યાબંધ રાજ્ય સરકારોએ પણ ટ્રાફિક નિયમભંગના દંડની રકમમાં ૧૦ ગણો વધારો કરવાની ના પાડી દીધી. અચાનક દંડની રકમ ૧૦ ગણી કરી દેનાર વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરીને પૂછવામાં આવ્યું કે નાણાભંડોળ ઊભું કરવા નાગરિકોને આ રીતે દંડાય? ત્યારે એમણે ખૂબ સરસ જવાબ આપ્યો. તેમણે કહ્યું, દંડ ઉઘરાવવો એ અમારું ધ્યેય નથી. લોકોને શિસ્તમાં લાવવાનું અમારું ધ્યેય છે. હું તો કહું છું કે ટ્રાફિકના નિયમોનું ચોકસાઈથી પાલન કરો. એક પૈસાનોય દંડ નહીં ભરવો પડે!
આ તો સરેરાશ આંકડો છે. બધાં વાહન આ દરે ફેલાયેલાં નથી. મહાનગરોમાં દર કિલોમીટર રસ્તા પર વધારે વાહનો છે અને નાનાં ગામોમાં સંખ્યા ઓછી છે. નાના ગામમાં માનો કે દર કિલોમીટરે માત્ર પાંચ વાહન હોય તો ત્યાં ટ્રાફિકની સમસ્યા ન થાય. સરેરાશ ૫૦ની હોય તો પણ ખાસ સમસ્યા ન થાય! મહાનગરોમાં આંકડો ત્રણથી દસ ગણો આવે છે અને એ જ સમસ્યાનું મૂળ છે. મુંબઈમાં દર કિલોમીટર રોડ દીઠ ૫૧૦ વાહનો છે, પૂણેમાં દર કિલોમીટરે ૩૫૯ વાહનો છે, કોલકાતામાં દર કિલોમીટરે ૩૧૯ અને ચેન્નાઈમાં દર કિલોમીટરે ૨૯૭ વાહનો છે. અમદાવાદમાં ૧૫૦, બેંગલુરુમાં ૧૪૯ અને દિલ્હીમાં ૧૦૮ વાહનો દર એક કિલોમીટરે દોડતાં રહે છે. સ્વાભાવિક છે કે આટલાં બધાં વાહનો રસ્તાઓ ઉપર દોડતાં હોય તો દરેક રસ્તા પર ટ્રાફિક ભરચક રહે. બધાં વાહનોએ ધીમાં ચાલવું પડે. એકાદ વાહન જરાય આડુંઅવળું થાય તો તરત ટ્રાફિક જામ સર્જાઈ જાય!
અત્યારે મોટાભાગનાં મહાનગરોની સ્થિતિ એવી છે કે જો ટ્રાફિકના બધા કાયદાઓનું પાલન કરવામાં આવે તો એક સ્થળથી બીજા સ્થળે પહોંચવામાં ડબલ ટાઈમ જાય. મુંબઈની બેસ્ટ બસનું જ ઉદાહરણ લઈએ તો ૨૦૦૮માં બેસ્ટની બસ મુંબઈના ટ્રાફિકમાં કલાકના સરેરાશ ૧૬ કિલોમીટરની સ્પીડથી દોડી શકતી હતી. આજે એ જ બસ કલાકના સરેરાશ માંડ ૯ કિલોમીટરની સ્પીડ પર ચાલી શકે છે. ઓછી સ્પીડે વાહન ચલાવવાથી બળતણ વધારે વપરાય છે. ટ્રાફિક જામમાં ઊભા રહેવું પડે એમાં વધારાનું બળતણ વપરાય છે. ટ્રાફિક સિગ્નલ પર વાહનનું એન્જિન બંધ કરી દેવામાં આવે તો એટલું પેટ્રોલ, ડીઝલ કે ગેસનો વપરાશ ઓછો થાય, પરંતુ એન્જિન ફરીફરીને જ્યારે ચાલુ કરવામાં આવે ત્યારે એ વધારાનું બળતણ ફૂંકે છે, એના કારણે સરવાળે ખર્ચ તો વધી જ જાય છે. ટ્રાફિકની દશા એવી છે કે મહાનગરોમાં દરેક રોડ ઉપર વાહનચાલકને સરેરાશ ચાર-પાંચ ટ્રાફિક સિગ્નલ તો આવે જ છે. ટ્રાફિક સિગ્નલ ચાલુ-બંધ થવાનો સમય એવો હોવો જોઈએ કે એક સિગ્નલ ઉપરથી છૂટેલાં વાહનોને આગળ બીજું કોઈ સિગ્નલ નડે નહીં એ વાહન દરેક સિગ્નલ પર ગ્રીનલાઈટના સમયમાં જ પસાર થતું જાય! આવું થઈ શકે, એને સેન્સિબલ ટ્રાફિક કન્ટ્રોલ કહે છે, પરંતુ એવું થતું નથી. એટલે સડસડાટ ચાલવો જોઈએ એ ટ્રાફિક અટકી અટકીને ચાલતો રહે છે. એને કારણે કામના કલાકો બગડે છે અને બળતણનો વપરાશ વધે છે એનો સરવાળો ૧.૫ લાખ કરોડ રૂપિયાનો થાય છે.
આનો અર્થ એ થયો કે વધારાનો દંડ ભર્યા વગર આપણે બધા ૧.૫ લાખ કરોડ રૂપિયા તો ટ્રાફિકના કારણે વધારાના ભોગવી જ રહ્યા છીએ. હવે આ દસગણો દંડ-વધારો પડતા ઉપર પાટુ જ સાબિત થઈ શકે. પડતાને પાટુ મારવાને બદલે ટ્રાફિક સરળતાથી ચાલતો રહે એવી રીતે રોડ-રસ્તા બનાવવા જોઈએ અને એવું વાહનવ્યવહાર નેટવર્ક ઊભું કરવું જોઈએ.
તંત્ર તરફથી રસ્તાઓ અવારનવાર પહોળા કરવામાં આવે છે, ફ્લાયઓવર બનાવવામાં આવે છે. આ બધા ઉપાય ટ્રાફિક સરળતાથી ચાલતો રહે એ દિશામાં જ છે, પરંતુ એમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી દશા છે. આપણા દેશમાં ૨૦૧૮માં રોજનાં ૭૩,૬૩૨ નવાં વાહનો રોડ ઉપર આવતાં રહ્યાં હતાં. એક રોડ પહોળો કરતાં એકાદ મહિનો સહેજે લાગી જાય. એટલા દિવસમાં તો ૨૨,૦૮,૯૬૦ નવાં વાહનો રોડ ઉપર આવી જાય! એક ફ્લાયઓવર બનતાં ઓછામાં ઓછાં બે વર્ષ સહેજે લાગી જાય. એટલા સમયમાં તો ૫.૩૦ કરોડ નવાં વાહનો રોડ ઉપર આવી ગયાં હોય. આટલાં બધાં વાહનો સરળતાથી ચાલી શકે એવા રોડ વિકસાવવાનું કામ અશક્ય બનતું જાય છે. એટલે ટ્રાફિકની સમસ્યા ઉકેલાતી જ નથી.
ટ્રાફિકની સમસ્યા ઉકેલવાનો એકમાત્ર ખાતરીનો માર્ગ છે, વાહનોના વેચાણ ઉપર રેશનિંગ કરવાનો! કોઈપણ કંપની દર મહિને એક ચોક્કસ સંખ્યાથી વધારે વાહનો વેચી જ ન શકે એવો કાયદો બનાવવામાં આવે તો ધીમેધીમે સમસ્યા ઉકેલી શકાય. બીજો રસ્તો છે, જેની પાસે એક વાહન હોય તેને બીજું વાહન ખરીદવાની પરવાનગી ન આપવાનો. જોકે એવો કાયદો શક્ય જણાતો નથી.
એક વાત નક્કી સમજાય છેઃ જ્યાં સુધી રોડ-રસ્તા ઉપર રોજેરોજ ઠલવાતાં હજારો વાહનો ઉપર બ્રેક નહીં લાગે ત્યાં સુધી તો ટ્રાફિકની સમસ્યા ઉકેલાવાની નથી. સરકાર ટ્રાફિકના નિયમના ભંગ બદલ દંડની જોગવાઈ હજુ દસ ગણી કરીને એક લાખ રૂપિયા કરે તો પણ આ સમસ્યાનો ઉકેલ આવવાનો નથી.
આ સમસ્યા માત્ર ભારતની નથી!
એવું નથી કે આ સમસ્યા માત્ર આપણા દેશમાં જ છે. વધતા-ઓછા અંશે આખા વિશ્વનાં મહાનગરોને તે પજવે છે.
સિંગાપોરઃ અહીં માત્ર ૧૦ ટકા વસતી પાસે કાર છે છતાં શહેરમાં ૫,૭૩,૦૦૦ કાર થઈ ગઈ છે. એ ટ્રાફિકની નિતનવી સમસ્યાઓ સર્જી રહી છે. આ દેશમાં સમસ્યાના ઉકેલ માટે આરસી બુક બનાવવા માટે કિંમતના ૨૦ ટકા ફી અને આરટીઓ ર્સિટફિકેશન ફી ૧૦૦થી ૧૮૦ ટકા કરી દેવામાં આવી છે.
બીજીંગઃ ચીનનાં ૬૬ શહેરોમાં ૧૦-૧૦ લાખ કારો છે. ૧૧ શહેરોમાં ૩૦-૩૦ લાખ કારો છે. રાજધાની બીજીંગમાં ૫૦ લાખ કાર છે. અહીં હવે નવી કારને માન્યતા આપવાનું બંધ કરવામાં આવ્યું છે.
બેંગકોકઃ આ શહેરમાં કાર અને મોટરસાઈકલની સંખ્યા ૧ કરોડે પહોંચી છે. વડાપ્રધાને લોકોને કાર ન ખરીદવા અપીલ કરવી પડી છે. અહીંના રસ્તાઓ પર સતત ટ્રાફિક ગોકળગાય ગતિએ જ ચાલતો રહે છે.
પેરિસઃ શહેરમાં ૩.૨૦ કરોડ કારો છે. સંખ્યા ઘટાડવા સંસદે ડીઝલથી ચાલતી કાર-ટ્રક પર પ્રતિબંધ મૂકી દીધો છે.
મેક્સિકોઃ આ શહેરમાં ૧ કરોડ કાર છે. ૬૫ ટકા લોકો કારમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે તેથી કારની સંખ્યા વધતી જાય છે. સરકાર કારનું વેચાણ ઘટાડવાનાં પગલાં લેવાનું વિચારી રહી છે.
લોસ એન્જેલસઃ અહીં ૬૫ લાખ કારો છે. ટ્રાફિક જામના કારણે સરેરાશ નાગરિકને વર્ષે ૧૮૦૦ ડોલરનો વધારાનો ખર્ચ આવે છે. અહીં પણ સરકાર કારનું વેચાણ નિયંત્રિત કરવા વિચારી રહી છે.