સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલ GSTની ઓફિસમાં જઈ ગત બપોરે પોતાની ઓળખ દિલ્હીના સેન્ટ્રલ વિજિલન્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર વિજિલન્સ તરીકે આપી તપાસ માટે આવ્યો છું તેમ કહી રોફ જમાવનાર વાપીના યુવાનને શંકાને આધારે ઝડપી ઉમરા પોલીસને હવાલે કરાયો હતો.
વાપીના યુવાને જીએસટી કચેરીમાં પોતાના નામનું કાર્ડ પણ આપ્યું હતું. પોલીસે તે અંગે તપાસ કરતાં દિલ્હીના કોઈ વ્યક્તિએ આપ્યો હોવાની તેણે કબૂલાત કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે વ્હાઇટ હાઉસ બિલ્ડિંગના ચોથા માળે જીએસટીની ઓફિસ આવેલી છે. ગત બપોરે પોણા બે વાગ્યાના અરસામાં ડી.જી.જી.આઈ યુનિટની ઓફિસમાં એક યુવાન આવ્યો હતો અને પોતાની ઓળખ નવી દિલ્હી સ્થિત સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેકટર વિજિલન્સ તરીકે આપી પોતાનો કાર્ડ પણ આપ્યો હતો. યુવાને પોતે એક કેસની તપાસ માટે આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.
જોકે, તેની વર્તણૂક શંકાસ્પદ લાગતા તેણે આપેલા કાર્ડ અંગે જીએસટીના અધિકારીઓએ વિજિલન્સ કચેરીમાં તપાસ કરાવડાવી તો તે કાર્ડમાં જે નામ લખ્યું હતું તે ઉત્પલ પારેખ નામના કોઈ અધિકારી નહીં હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ અંગે ઉમરા પોલીસને જાણ કરાતાં ઉમરા પોલીસ જીએસટી ઓફિસમાં પહોંચી હતી અને યુવકની પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછ દરમિયાન યુવકે પોતે નકલી અધિકારી હોવાની કબુલાત કરી હતી. વાપીની શ્રીજી નિવાસ રાજરેસીડેન્સી 41/3 માં રહેતા ઉત્પલ બળદેવભાઈ પારેખે પહેલી વખત જ આ રીતે નકલી અધિકારી બન્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર્ડ અંગે તપાસ કરતા ઉત્પલે દિલ્હીના પ્રદીપ નામના વ્યક્તિએ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
ઉમરા પોલીસે જીએસટી અધિકારી પ્રશાંત બિજેન્દર વત્સની ફરિયાદના આધારે ગુનો નોંધી ઉત્પલ પારેખની ગત મોડી રાત્રે ધરપકડ કરી હતી અને નકલી અધિકારી તરીકે આવી સરકારી કચેરીમાં શું કરવા માંગતો હતો તે અંગે વધુ પુછપરછ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ જે જી પરમાર કરી રહ્યા છે.