અસત્ય પર સત્યની જીતનો દિવસ વિજયા દશમી એટલે કે દશેરા 8 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. મા ભગવતીની આરાધના એટલેકે નવરાત્રિના નવ દિવસ પુરા થયા બાદ દસમી તિથિએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે લંકાધિપતિ દશાનનનો વધ કરીને સીતાને મુક્ત કર્યા હતા. રાવણ તરીકે જાણીતા દશનાન એક મહાન વિદ્વાન હતા. પરંતુ સીતા માતાના હરણ પછી તે આખી દુનિયામાં રાક્ષસ તરીકે જાણીતા થયા. રાવણ શિવના મહાન ભક્ત હતા. તેમની વિદ્વાનતાને કારણે, ભારતમાં ઘણા સ્થળોએ તેમના મંદિરો છે. રાવણનું જ્યાં મંદિર છે ત્યાંના લોકો તેમને ભગવાન માને છે. આજે અમે તમને ભારતના 5 સ્થળો વિશે જણાવીશું જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે.
લંકેશ્વર મહોત્સવ, કોલાર, કર્ણાટક
કર્ણાટક રાજ્યના કોલારમાં લંકેશ્વર મહોત્સવ દરમિયાન રાવણની પૂજા સાથે શોભાયાત્રા પણ યોજવામાં આવે છે. આ શોભાયાત્રામાં ભગવાન શિવની મૂર્તિને પણ રાવણની સાથે ફેરવવામાં આવે છે. રાવણની પૂજા કોલારમાં કરવામાં આવે છે કારણ કે તે ભગવાન શિવનો પ્રખર ભક્ત છે. કોલારની માલાવલ્લી તાલુકામાં રાવણનું મંદિર પણ છે.
વિદિશા, મધ્યપ્રદેશ
વિદિશા રાવણની પત્ની મંદોદરીનું જન્મ સ્થાન છે. અહીં રાવણની 10 ફૂટ લાંબી પ્રતિમા છે. વિદિશામાં દશેરાના દિવસે લોકો રાવણની પૂજા કરે છે. તેના સિવાય લગ્ન અથવા તો કોઈ પણ શુભ અવસરે લોકો મૂર્તિની પૂજા કરીને આશીર્વાદ લે છે.
મંદસોર, મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના મંદસોરમાં બનેલું મંદિર રાવણનું પ્રથમ મંદિર છે. અહીં રૂન્દી નામની રાવણની એક વિશાળ મૂર્તિ છે જેની અહીં પૂજા કરવામાં આવે છે. મહિલાઓ આ મંદિરમાં પૂજા-અર્ચના કરતી વખતે મૂર્તિની સામે ઘુંઘટમાં રહે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર રાવણને મંદસૌરનો જમાઈ માનવામાં આવે છે. મંદસૌર મંદોદરીનું પિયર માનવામાં છે. મંદોદરીના નામ પરથી આ સ્થળનું નામ મંદસોર રાખવામાં આવ્યું હતું.
બૈજનાથ કસ્બા, હિમાચલ પ્રદેશ
પૌરાણિક માન્યતાઓ અનુસાર, રાવણે બૈજનાથ નગરમાં ભગવાન શંકરની કઠોર તપસ્યા કરી હતી. જો કે બૈજનાથ નગરમાં રાવણનું કોઈ મંદિર નથી, પરંતુ અહીં રાવણની પૂજા કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં આ સ્થળે રાવણનું કોઈ પુતળાનું દહન પણ કરવામાં આવતું નથી.
દશાનન મંદિર, કાનપુર, ઉત્તર પ્રદેશ
કાનપુરના શિવાલા વિસ્તારમાં આવેલું દશાનાન મંદિર વર્ષમાં માત્ર એક વાર દશેરાના દિવસે ખુલે છે. દશેરાના દિવસે આ મંદિરમાં રાવણની મૂર્તિનો શણગાર કરીને આરતી કરવામાં આવે છે. આ મંદિરમાં માત્ર દશેરાના દિવસે જ પૂજાની છૂટ છે. 1890 માં બનેલા આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં તેલના દિવા પ્રગટાવવાથી પણ બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.