બાઇકમાંથી જો પેટ્રોલ અને મેઇન્ટેનન્સનો ખર્ચ નીકળી જાય તો..? અને આખો દિવસ બાઇક ચલાવો તો ખર્ચો ૧૫થી ૨૦ રૃપિયામાં પતિ જાય એવુ બને? હા, રાજસ્થાનના બે ભાઇઓએ મળીને એક એવી ઇલેક્ટ્રીક સ્કૂટી બનાવી છે. જેઓ રાજસ્થાનથી આ સ્કૂટી ચલાવીને સુરત આવ્યા છે અને તેનો ખર્ચ થયો છે, માત્ર રૃ.૧૩૦.
રાજસ્થાનનાં રાજસમંદ શહેરના રાહુલ ખંડેલવાલ અને રાઘવ ખંડેલવાલે આજથી અઢી વર્ષ પહેલા સ્કૂટી બનાવવાની શરૃઆત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર સ્કૂટીની પાવરફુલ બેટરીના કારણે અઢી કલાકની ચાર્જ બેટરીથી ૮૦ કિલોમીટર સ્કૂટી ચાલશે. ૬૫ કિમી પ્રતિકલાકની સ્પીડ છે. સ્પીડ, પીકઅપ આ બધાને કન્ટ્રોલ પણ કરી શકાય છે. પાંચ વર્ષમાં એક લાખ કિમી ચાલશે. બે સવારી અને સાથે ૧૦-૨૦ કિલોનો સામાન પણ આરામથી ખેંચી શકે છે. મોબાઇલ ચાર્જર તો છે પણ સાથે મોબાઇલ એપ્લીકેશન પણ આવશે જેમાં બાઇકમાં ક્યારેય કોઇ ફોલ્ટ આવે તો તેને તે તરત ડિટેક્ટ કરી શકે છે. પેટ્રોલ-ઓઇલિંગ ન હોવાથી પ્રદુષણ પણ નથી. વરસાદમાં પણ કોઇ પ્રોબ્લેમ નથી આવતો.
બીજી ખાસીયત એ છે કે આ સ્કૂટી રીવર્સ પણ દોડે છે. સ્કૂટીની બેટરીનું પેટેંટ કરાવ્યુ છે. સ્કૂટીમાં ઇન્વર્ટરની પણ સુવિધા છે જે એક રાતમાં એક ટયુબલાઇટ અને પંખો ચલાવી શકવા શક્તિમાન છે. પર્યાવરણના બચાવ સાથે ઓછા ખર્ચમાં સૌને ફાયદો થાય એ હેતુ સાથે આ સેટા( ક્લીન એન્વારમેન્ટ થ્રોટ ઓટોમોટીવ)નું સર્જન થયુ હોવાનું ખંડલવાલ બ્રધર્સે જણાવ્યુ હતું.