બાવળા તાલુકાનાં બગોદરા ગામમાં ખેતરમાં ધાસ કાપવા બાબતે 12 દિવસ પહેલા સવારે બોલાચાલી થવા પામી હતી.જેનું મનદુઃખ રાખીને બપોરે ગામમાં કોળી પટેલ અને ભરવાડનાં બે કુટુંબ વચ્ચે ઉગ્ર ઝઘડો અને મારામારી થતાં કોળી પટેલનાં યુવકનું મોત થવા પામ્યું હતું. બંને પક્ષનાં 9 વ્યકિતને ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ બગોદરા પોલીસને થતાં તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને બંદોબસ્ત ગોઠવી દઈ પરીસ્થિતિ વધુનાં વણસે તે માટે જિલ્લાની પોલીસ બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ જૂથ અથડામણમાં મૃતક યુવકના મોટા ભાઇનું પણ સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે. જેથી આ જૂથ અથડામણમાં બે સગા ભાઇનાં મોત થવા પામ્યા છે.
બગોદરા ગામમાં રહેતાં બનુભાઇ માવસંગભાઇ મકવાણાએ તેમના ખેતરમાં જારનું વાવેતર કર્યું છે. તેમના ખેતરમાં 12દિવસ પહેલા સવારે તેમના દિકરા વિજય અને મહીલાઓ જારનો ધાસચારો લેવા ગયા હતાં.તે સમયે ગામનાં કરશનભાઇ ભરવાડ અને તેના પરીવારનાં લોકો જાર લેતાં હતાં ત્યારે જાર લેવાની ના પાડતાં બોલાચાલી થવા પામી હતી.અને તે સમયે ખેતરમાંથી છૂટાં પડી ગયા હતાં.અને સમાજનાં આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું.ત્યાર પછી બપોરે પાણીની ટાંકી પાસે બનુભાઈ અને તેમના ઘરનાં સભ્યોને રધુભાઈ ભરવાડ અને કુટુંબીઓ ગાળો બોલતાં હતાં અને પછી લાકડીઓ લઈને તૂટી પડયા હતાં.જેમાં બનુભાઈનો ભાણીયો દશરથ નાનુભાઇ દેવત્રા (કોળી પટેલ) ઉ.વ.16નું રધુભાઇ ભરવાડે ગલુ દબાવીને મારી નાંખ્યો હતો.
મારામારીમાં કોળી પટેલ સમાજનાં 5 લોકો અને ભરવાડ સમાજનાં 4 લોકોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.જૂથ અથડામણની જાણ બગોદરા પોલીસને થતાં બગોદરા પી.એસ.આઇ.પી.એ.જાદવ, ઈનચાર્જ જિલ્લા પોલીસ વડા પ્રવીણકુમાર,ધોળકા ડી.વાય.એસ.પી.બળદેવસિહ વાધેલા, ધોળકા સી.પી.આઈ., એલ.સી.બી., એસ.ઓ.જી.ની ટીમ અને જીલ્લાભરની પોલીસને દોડી આવી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.આ બાબતે સિવિલ હોસ્પિટલમાંથી ભરતભાઇ માવસંગભાઇએ ભરવાડ સમાજનાં સાત લોકો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.પરંતુ તે સમયે મરણ જનારનાં સગાઓએ જ્યાં સુધી આરોપીઓ ના પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
લાશ સ્વીકારી નહોતી. બુધવારે સવારે બગોદરા પોલીસ સ્ટેશનમાં મરણ જનારનાં સગા અને સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં પહોંચી જઈને આરોપીઓને પકડવા માટે ઉગ્ર રજુઆત કરી હતી.તે સમયે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે અમદાવાદ અને ખેડા જિલ્લાની એલસીબી, એસઓજીની ટીમોને કામે લગાડી દીધી છે અને આરોપીઓને 5 દિવસમાં પકડી લઇશું તેવી ખાત્રી આપતાં બપોરે બાર વાગ્યાની આસપાસ લાશ સ્વીકારી હતી. મરણ જનારનાં મોટાભાઇ મયુરભાઈ નાનુભાઇ દેવત્રા, ઉ.વ. 20 (કોળી પટેલ )ને માથા,પગના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.અને સોમવાર મોડી રાત્રે સારવાર દરમ્યાન તેનું મોત થવા પામ્યું હતું.
આ કેસમાં મુખ્ય આરોપીઓની ધરપકડ નહીં થઈ હોવાથી કોળી પટેલ સમાજનાં લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતાં અને લાશને બગોદરા પોલીસ સ્ટેશનમાં લઇ જઇને મુકી દેવાનું નક્કી કર્યું હતું.જેથી પોલીસ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરતાં એલ.સી.બી.ની ટીમે મુખ્ય આરોપી રધુભાઇ અને ભાઇ ભીખાભાઇ ભરવાડની ધરપકડ કરતાં લાશ સ્વીકારી પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અંતિમ વિધી કરવામાં આવી હતી.પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ જૂથ અથડામણમાં મરણ જનાર બંને સગા ભાઈઓનાં મોત થતાં તેમની વિધવા માં ઉપર આભ ફાટયું છે. તેમનું ઘર ચલાવનાર એટલે ઘરનો હવે કોઈ વારસ રહ્યો નથી. એકલી વિધવા મા જ રહ્યા છે.