ભાલકાતીર્થના નૂતન મંદિર પર ઘ્વજારોહણની સાથે ટોચના શિખરને આહીર સમાજ દ્વારા સુવર્ણ મંડિત કરાવાયો છે. 11 ઓક્ટોબરે અહીં શિખર પર સુવર્ણકળશ ચઢાવાશે. શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણિમા સમિતીનાં સંયુક્ત ઉપક્રમે તા. 10 થી 13 અોક્ટોબર સુઘી ત્રિ-દિવસીય ભાલકેશ્વર મહોત્સવનુંં ભવ્ય આયોજન થયું છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના નૂતન દેવાલય પર સુવર્ણ શિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ઘ્વજારોહણ, ધર્મઘ્વજ રથયાત્રા, નારાયણ યાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે.
દ્વારિકાથી ભવ્ય ધર્મધ્વજાયાત્રા યોજાશે
શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારીકા થી મર્મભૂમિ ભાલકાતીર્થ સુઘીની ભવ્ય ધર્મધ્વજ રથયાત્રા યોજાશે. જે અંર્તગત તા. 10 ઓક્ટોબરને ગુરૂવારના સાંજે 5 વાગ્યે દ્વારકાધીશ મંદિરને ધ્વજારોહણ કરાશે. તા. 11 ઓક્ટો.ને શુક્રવારે સવારે 9 વાગ્યે દ્વારિકાથી ભાલકાતીર્થ સુઘીની રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે. રથમાં શ્રીમદ્ ભાગવદ્ગીતાને પ્રસ્થાપિત કરાશે. આ રથયાત્રા ઉપલેટા, જૂનાગઢ સહિતના ગામો-શહેરોમાંથી પસાર થઇ તા. 12 ઓક્ટો.ને શનિવારે વેરાવળ થઇ ભાલકાતીર્થ પહોંચશે. તા. 13 ઓક્ટો.ને રવીવારે સવારે 8 વાગ્યાથી નારાયણયાગ યજ્ઞનો શુભારંભ થશે.