સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી અને પતિથી અલગ રહેતી એક પુત્રની માતા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી તેને તારા છુટાછેડા થશે પછી હું લગ્ન કરીશ તેવી વાત કરનાર પ્રેમીએ છૂટાછેડા બાદ લગ્ન કરવા ઈન્કાર કરી દીધો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ સુરતના ઉમરવાડા વિસ્તારમાં માતાપિતા સાથે રહેતી 27 વર્ષીય મહિલાના લગ્ન સાત વર્ષ અગાઉ મહારાષ્ટ્રના એક યુવાન સાથે થયા હતા.
સાબીરે કહ્યું છૂટાછેડા લઈ લે
લગ્નના એક વર્ષ બાદ તેમને પુત્ર પણ થયો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોય તેઓ છૂટા પડી ગયા હતા અને મહિલાએ સુરત આવી પોતાનો શાકભાજી વેચવાનો ધંધો ફરી શરૃ કર્યો હતો. દોઢ વર્ષ અગાઉ રમઝાન માસમાં તેની શાકભાજીની લારી ઉપર મોહમ્મદ શાબીર જમાલુદ્દીન શેખ (હાલ રહે. આઇ/4, રૂમ નં.16, ચોથા માળે, નવી ટેનામેન્ટ, કમિટિ હોલ પાસે, ઉમરવાડા, સુરત) શાકભાજી લેવા માટે આવતો હતો. તે સમયે બંને વચ્ચે શરૃઆતમાં મિત્રતા થઈ હતી અને બાદમાં પ્રેમ સંબંધ બંધાતા સાબીરે મહિલાને તેના છૂટાછેડા થયા બાદ લગ્ન કરવાની ખાતરી આપી હતી.
ઘરે આવીને બાંધ્યા શરીર સંબંધ
ત્યારબાદ શાબીર મહિલાને અને તેના પુત્રને અલગ અલગ જગ્યાએ ફરવા માટે લઈ જતો હતો. બાદમાં શાબીરે મહિલાના ઘરે આવી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. તે સમયે પણ શાબીરે લગ્ન કરીશ તેવી વાત કરી હતી. જોકે, ગત જૂન માસમાં મહિલાના છૂટાછેડા થઇ ગયા હતા અને તેણે ત્યારબાદ શાબીરને લગ્ન કરવા માટે કહેતા તે ગાયબ થઈ ગયો હતો. મહિલાએ તેનો ફોન ઉપર સંપર્ક કરતા શાબીરે લગ્ન નહીં કરવાની વાત કરી હતી અને વધુ હેરાન કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મહિલાએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં સાબીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વી.કે રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.