ભારતીય રેલવેએ દેશમાં રેલવે તંત્રના ખાનગીકરણની દિશામાં વધુ એક પગલુ ભર્યુ છે. રેલવે દેશના 50 રેલવે સ્ટેશનનુ સંચાલન ખાનગી કંપનીઓના હવાલે કરશે.
આ માટે કેન્દ્ર સરાકરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતનુ કહેવુ છે કે, આ બાબતે રેલવે મંત્રી સાથે વિસ્તારથી વાતચીત થઈ છે અને આ મામલાને પ્રાથમિકતા આપવાની જરૂર લાગે છે. પ્રોજેક્ટના ઈમ્પ્લિમેન્ટેશન માટે રેલવે બોર્ડના સભ્યો, એન્જિનિયર્સ અને બીજા લોકોનુ એક ગ્રૂપ બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રેલવે દેશમાં 150 જેટલી ટ્રેનોનુ સંચાલન પણ ખાનગી કંપનીઓને સોંપવા માંગે છે.
એંક અંગ્રેજી અખબારના અહેવાલમાં રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવને ટાંકીને કહેવામાં આવ્યુ હતુ કે, આગામી ચાર પાંચ વર્ષમાં 150 જેટલી ખાનગી ટ્રેનો દોડાવવાનો અમારો અંદાજ છે. તેના કારણે લોકોને વેઈટિંગ લિસ્ટથી છુટકારો પણ મળશે.અમે 150 પ્રાઈવેટ ટ્રેન સાથે શરૂઆત કરવા માંગીએ છે.
તેમણે કહ્યુ હતુ કે, કયા રૂટ પર આ ટ્રેનો દોડશે તેના પર હાલમાં સર્વે ચાલી રહ્યો છે. એ પછી ટ્રેનોના સંચાલન માટે પ્રાઈવેટ કંપનીઓ પાસેથી ટેન્ડરો મંગાવાશે. દિલ્હી-મુંબઈ, દિલ્હી-હાવડા કોરિડોર સહિતના બીજા રૂટ પર આ ટ્રનો દોડાવવા માટે વિચારણા છે. દિલ્હી હાવડા રુટ અપગ્રેડ કરવા માટે સરકારે 13000 કરોડની યોજનાને મંજૂરી આપી છે.
તેમણે કહ્યુ હતુ કે, કંપનીઓને અમે ટ્રેનના કોચ અને એન્જીન આયાત કરવા માટે અથવા તો ભારતીય કંપની પાસેથી ખરીદવાના પણ વિકલ્પ આપીશું.
રેલવે 4 ઓક્ટોબરથી લખનૌ દિલ્હી રૂટ પર પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસ શરુ કરી ચુકી છે. જેનુ સંચાલન રેલેવેની કંપની આઈઆરટીસી કરી રહી છે.