મુંબઇમાં હીરાનો ધંધો કરતા પુત્રના લેણદારોએ મધરાત્રે ઘરમાં ઘુસી પિતા પર લાકડાના ફટકા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ઘટના મોટા વરાછાની વૃંદાવન સોસાયટીમાં બનવા પામી છે.
મોટા વરાછાના ભોજલરામ ચોકની વૃંદાવન સોસાયટીમાં રહેતા હીરા દલાલ મધુભાઇ સવજીભાઇ ભાલાળા (ઉ.વ. 60 મૂળ રહે. સીમરન ગામ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) ગત રાત્રે પરિવાર સાથે ઘરે સુતેલા હતા ત્યારે દોઢ વાગ્યાના અરસામાં કોઇકે દરવાજો ખખડાવ્યો હતો. જેથી મઘુભાઇએ બારીમાંથી નજર કરતા મુંબઇ ખાતે હીરાનો ધંધો કરતા પુત્ર કેતનના પરિચીત જતીન ગોરસીયા અને વિપુલ હરીપરા હોવાથી દરવાજો ખોલ્યો હતો.
દરવાજો ખોલતા વેંત જતીન અને વિપુલ ઘરમાં ઘુસી ગયા હતા અને કેતન કયાં છે એમ કહ્યું હતું. કેતન ઘરે નહિ હોવાનું કહેતા જ ઉશકેરાયેલા જતીન અને વિપુલે અમારે તેની પાસે હીરાના પૈસા લેવાના છે તે કેમ આપતો નથી એમ કહી ગાળાગાળી કરી હતી અને લાકડાના ફટકા વડે મધુભાઇના પગના ભાગે માર માર્યો હતો. જેથી મધુભાઇએ બુમાબુમ કરતા પત્ની શ્રધ્ધાબેન અને બીજો પુત્ર મનિષ દોડી આવ્યા હતા.
ઉપરાંત પડોશીઓ પણ જાગી જતા જતીન અને વિપુલે ધમકી આપી હતી કે કેતનનો સમજાવી દેજો અમારા પૈસા જલ્દીથી આપી દે નહિતર જાનથી મારી નાંખીશું એવી ધમકી આપી ભાગી ગયા હતા.
પુત્ર કેતનના લેણદારોએ પિતા પર કરેલા હુમલાથી સ્તબ્ધ થઇ જનાર પરિજનો ઇજાગ્રસ્ત મધુભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટના અંગે અમરોલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.