ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રેપના આરોપી સ્વામી ચિન્મયાનંદના ટેકામાં સાધુસંતોની ટોચની સંસ્થા અખાડા પરિષદ આગળ આવી હતી અને તત્કાળ સ્વામી ચિન્મયાનંદને મુક્ત કરીને ફરિયાદી યુવતી સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.
અખાડા પરિષદમાં દેશના તેર મતમતાંતરો ધરાવતા સંપ્રદાયોના સાધુસંતોની સંસ્થાઓ જોડાયેલી છે. હરિદ્વારમાં મળેલી બેઠકમાં પરિષદે આ માગણી કરી હતી. સ્વામી ચિન્મયાનંદને બ્લેકમેલ કરવાના આરોપસર રેપ પીડિતા અને બીજા બે યુવાનો પણ જેલમાં છે. સ્વામી ચિન્મયાનંદ પણ જેલમાં છે. પરિષદે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે સ્વામી ચિન્મયાનંદને બદનામ કરવાનું આ કાવતરું છે.
રસપ્રદ હકીકત એ છે કે અગાઉ અખાડા પરિષદેજ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ચિન્મયાનંદને હરિદ્વારના મહાનિર્વાણી અખાડામાંથી કાઢી મૂકવામાં આવશે. હવે પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ કહે છે કે ચિન્મયાનંદ સામે કોઇ પગલાં લેવામાં નહીં આવે.પરિષદ તેમને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે. તેમને અન્યાય થયો છે. એ અન્યાય દૂર થવો જોઇએ. ચિન્મયાનંદને તત્કાળ છોડી દેવા જોઇએ અને તેમને બ્લેકમેલ કરી રહેલા લોકોને કડક સજા થવી જોઇએ.