દેશમાં વસતિવધારાના વિસ્ફોટને રોકવા ચીન જેવો વસતિનિયંત્રણનો કડક કાયદો અમલમાં મૂકવો જોઇએ એવી હાકલ વિવાદાસ્પદ વિધાનો કરવા માટે પંકાયેલા ભાજપના નેતા ગિરિરાજ સિંઘે કરી હતી.
વસતિ વધારાનાં 21 માઠાં પરિણા્મો સૂચવતા 21 રથોની સાથે ભાજપી નેતાઓએ શુક્રવારે મેરઠથી દિલ્હીની પદયાત્રા શરૂ કરી હતી. સતત ઘટી રહેલું ભૂગર્ભ જળ, ઘટી રહેલી ખેતી, ગંભીર પ્રદૂષણ સહિત 21 સમસ્યાઓને ચિત્રરૂપે દર્શાવતાં આ રથો સાથે હજારો લોકો પદયાત્રામાં જોડાયા હતા આ પદયાત્રા આવતી કાલે રવિવારે દિલ્હી પહોંચશે અને જંતર મંતર પર કાયદા ખાતાના પ્રધાન રવિ શંકર પ્રસાદને એક નિવેદન સોંપશે. ત્યાં પદયાત્રાનું સમાપન થશે.
પદયાત્રાના આરંભે ભાજપા નેતા ગિરિરાજ સિંઘે કહ્યું કે બેફામ વધી રહેલી વસતિને નિયંત્રણમાં લાવવા ચીન જેવા કડક કાયદાની તાતી જરૂર છે. આ પદયાત્રા સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી અને ભાજપના નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે સમાધાન ફાઉન્ડેશનના ઉપક્રમે યોજી હતી. યાત્રા શરૂ થઇ ત્યારે ગિરિરાજ સિંઘ સહિત બે ત્રણ ભાજપી નેતાઓએ વસતિ વધારાના પગલે સર્જાતી સમસ્યાઓ વિશે પ્રાસંગિત ભાષણો કર્યાં હતાં.