ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’નું ટ્રેલર 11 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં લીડ રોલમાં અથિયા શેટ્ટી તથા નવાઝુદ્દીન સિદ્દીકી છે. તેમનું ફર્સ્ટ પોસ્ટર પણ આજે એટલે કે 12 ઓક્ટોબરે રિલીઝ થયું છે. આ પોસ્ટરમાં બંનેએ લગ્નના કપડાં પહેર્યા છે, જેમાં અથિયા પ્લેનની સીટમાં જ્યારે નવાઝુદ્દીન વરરાજાની ખુરશીમાં બેઠો છે. આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થશે. તરણ આદર્શે ફિલ્મનું પોસ્ટર ટ્વીટ કર્યું છે.
‘મોતીચૂર ચકનાચૂર’ ફિલ્મના ડિરેક્ટર દેબમિત્રા બિશ્વાલ તથા પ્રોડ્યૂસર કિરણ ભાટિયા-રાજેશ ભાટિયા છે. ફિલ્મના ટ્રેલરમાં બતાવ્યું છે કે, અથિયાને કોઈ એનઆરઆઈ છોકરા સાથે લગ્ન કરીને વિદેશ જવું હોય છે, તો બીજી તરફ નવાઝુદ્દીન 36ની ઉંમર વટાવી હોવા છતાં લગ્ન માટે કન્યા શોધતો હોય છે. આ બંને પોતપોતાની જરૂરિયાત માટે લગ્ન કરી લે છે. ત્યાં અથિયાને ખબર પડે છે કે નવાઝુદ્દીન દુબઈમાં કોઈ નોકરી કરતો જ નથી. તેણે ખોટું કીધું હોય છે. હકીકત ખબર પડ્યા પછી અથિયા શું કરે છે તે તો હવે ફિલ્મ આવ્યા પછી જ ખબર પડશે. આ ફિલ્મમાં વિભા છિબ્બર, નવની પરિહાર, વિવેક મિશ્રા, કરુણા પંડ્યા, સંજીવ વત્સ, અભિષેક રાવ જેવા કલાકારો પણ છે.