ઓસ્ટ્રેલિયાના એક ધનવાન કુટુંબે સમગ્ર દેશમાં પોતાના ઘર જેવી સગવડો સાથે મરજી મુજબ ફરી શકાય તે માટે એક ખાસ હરતું ફરતું ઘર તૈયાર કરાવ્યું છે અને તે માટે ૨૦ લાખ ડોલર-14.21 કરોડ રૂપિયા જેટલો જંગી ખર્ચ કર્યો છે. બહારથી કોઇ મહાકાય ટ્રક જેવું દેખાતું આ વાહન ખરેખર તો તેની અંદર એક વૈભવશાળી મકાન ધરાવે છે. જેણે આ મકાન તૈયાર કરાવ્યું તે કુટુંબની વિગતો આપવામાં આવી નથી પણ આ કુટુંબે એસએલઆરવી એક્સપીડિશન વેહિકલ્સનો સંપર્ક સાધ્યો હતો અને પોતાના માટે એપાર્ટમેન્ટ ઓન વ્હીલ્સ તૈયાર કરી આપવા ઓર્ડર આપ્યો હતો. આ એપાર્ટમેન્ટમાં બે પુખ્ત વ્યક્તિઓ અને છ બાળકો વાળા આ કુટુંબ માટે બેડરૂમો છે, આ ઉપરાંત મહેમાનો માટે એક જુદો બેડરૂમ છે. આ હરતા ફરતા એપાર્ટમેન્ટમાં એક વિશાળ લિવિંગ રૂમ છે અને એક ભોજન ખંડ છે, ઉપરાંત એક બાથરૂમ પણ છે. આ હરતા ફરતા ઘરમાં એવી વૈભવી સગવડો છે જેવી એક સામાન્ય મકાનમાં પણ હોતી નથી.
આ હરતું ફરતું મકાન તૈયાર થતાં ૧૩ મહિનાનો સમય લાગ્યો હતો અને તેનો કુલ ખર્ચ ૨૦ લાખ ડોલર જેટલો થયો હતો. વોરવીક બોસવર્જર અને તેની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ બાંધકામ આ પ્રકારનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ટેકનિકલી આધુનિક બાંધકામ છે.
આ ટીમે આ પહેલા ક્યારેય આવું કામ કર્યું ન હતું પણ તેમને આ ઓર્ડર પૂરો કરવાનો પડકાર ઉપાડી લેવામાં ખૂબ આનંદ આવ્યો હતો.