રીંગરોડની રાધા ક્રિષ્ણા ટેકસટાઇલ માર્કેટના વ્યાપારી પાસેથી રૂા. 43.40 લાખની મત્તાનું ફિનીશ ફેબ્રીક્સ કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ ચુકવ્યા વિના દુકાનને રાતોરાત બંધ કરીને ભાગી જનાર બે વ્યાપારી સહિત પાંચ વિરૂધ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાય છે. પરવટ પાટિયાના અભિલાષા હાઇટ્સમાં રહેતા અનિલ રાધેશ્યામ રાઠી રીંગરોડ સ્થિત રાધા ક્રિષ્ણા ટેકસટાઇલ માર્કેટમાં કાઇઝન ક્રિએશન નામે ફિનિશ ફેબ્રીક્સ કાપડનો વ્યાપાર કરે છે.
વર્ષ 2018ના એપ્રિલ મહિનામાં શ્રી શ્યામ ટેક્સટાઇલ નામે વ્યાપાર કરતા હેમંત શર્મા અને નરેન્દ્ર ચૌધરી નામના વ્યાપારી હસ્તક રાજેશ યાદવ અને અજય શર્મા અને અનિલ નામના વ્યાપારી સાથે પરિચય થયો હતો. શ્રી શ્યામ ટેકસટાઇલ્સ નામે વ્યાપાર કરતા રાજેશ, અજય અને અનિલે પોતાનો ધંધો અન્ય રાજ્યમાં હોવાનું કહી અને સમયસર પેમેન્ટ ચુકવી આપવાનો વાયદો કરી અનિલ રાઠી પાસેથી વર્ષ 2018ના મે થી જુલાઇ મહિના દરમ્યાનમાં કુલ રૂા. 43.40 લાખનો કાપડનો જથ્થો ખરીદયો હતો.
આ જથ્થા બદલ 40થી 50 દિવસમાં પેમેન્ટ ચુકવવાનો વાયદો કર્યો હતો પરંતુ સમયસર પેમેન્ટ ચુકવ્યું ન્હોતું અને રાતોરાત દુકાનને શટર પાડી દઇ ત્રણેય ભાગીદારો ભાગી ગયા હતા. જેથી આ અંગે અનિલ રાઠીએ સલાબતપુરા પોલીસ મથકમાં અરજી કરી હતી. આ અરજીની તપાસના આધારે પોલીસે ઠગાઇની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.