ત્રણ મહિનાના વ્યાજ પેટે રૂા. 90 હજાર પડાવ્યા અને જામીનગીરી પેટે મુકેલ મકાન પોતાના નામે કરાવી લીધું અને મકાનના દસ્તાવેજો પરત બજાર કિંમતની માંગણી કરનાર બે પૈકી એક ફાયનાન્સરની ધરપકડ
પાંડેસરાની વિધવા મહિલાની મજબુરીનો લાભ લઇ રૂા. 5 લાખ સામે ત્રણ મહિનાનું રૂા. 90 હજાર વ્યાજ વસુલનાર ફાયનાન્સરોને તમામ રકમ ચુકવી આપ્યા બાદ જામીનગીરી પેટે મુકેલ મકાન પરત આપવા બજાર કિંમત પેટે રૂા. 25 લાખ માંગનાર બે વ્યાજખોર વિરૂધ્ધ પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી બે પૈકી એકની ધરપકડ કરી છે.
પાંડેસરાની શિવશંકર સોસાયટીના પ્લોટ નંબર 162 માં રહેતી વિધવા સોનલ મહેશભાઇ દરજી (ઉ.વ. 51 મૂળ રહે. મજેડા, તા. કેલવાડા, રાજસમદ, રાજસ્થાન) એ આર્થિક જરૂરિયાત ઉભી થતા નવેમ્બર 2018માં પાંડેસરાના બે ફાયનાન્સર વિપુલ સોમા પટેલ અને ગૌરવ બાબુ પટેલ સમક્ષ પોતાના રહેણાંક મકાન જામીનગીરી પેટે મુકી રૂા. 5 લાખ વ્યાજે લીધા હતા.
નાણાકીય જરૂરિયાત માટે સોનલબેને બંન્ને ફાયનાન્સરને પોતાનું મકાન સિકયુરીટી પેટે લખી આપ્યું હતું અને ફાયનાન્સરોએ વિધવા મહિલાની મજબુરીનો લાભ લઇ 6 ટકાના તગડા વ્યાજ દરે ત્રણ મહિનાના રૂા. 90 હજાર વ્યાજની વસુલાત કરી હતી.
વિધવા મહિલાએ લોહી ચુસ્તા ફાયનાન્સરોને વ્યાજની રકમ ઉપરાંત રૂા. 5 લાખ પરત ચુકવી દીધા હતા પરંતુ ત્યાર બાદ પણ ફાયનાન્સર વિપુલ અને ગૌરવે વિધવા સોનલબેને સિકયુરીટી પેટે મુકેલા મકાન પરત આપવાનો ઇન્કાર કર્યો હતો અને જો મકાનના ડોકયુમેન્ટસ પરત જોઇતા હોય તો મકાનની બજાર કિંમત પેટેના રૂા. 25 લાખ આપવાની માંગણી કરી હતી.
વિધવા મહિલાએ પોતાના પરિવારની મહેનતની કમાણીનું મકાન પરત આપવા માટે આજીજી કરી હતી પરંતુ લોહી ચુસ્તા ફાયનાન્સરોએ મહિલાને મકાન પરત નહિ આપતા છેવટે બંન્ને ફાયનાન્સરો વિરૂધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બે પૈકી ગૌરવ પટેલ (ઉ.વ. 32 રહે. અમીઝરા રેસીડેન્સી, બમરોલી રોડ અને મૂળ કંથરાવીગામ, તા. ઉંઝા, મહેસાણા) ની ધરપકડ કરી છે.