મુંબઈ : દેશની આર્થિક પરિસ્થિતિ અને મંદી અંગે સરકાર અને વિપક્ષની પોતાની દલીલો છે, પરંતુ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે તાજેતરમાં જ મંદી અંગે વિશિષ્ટ દલીલ આપી હતી. મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા તેમણે 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલી 3 બોલીવુડ ફિલ્મોનો ઉલ્લેખ કર્યો. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, 2 ઓક્ટોબરે ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી, જેણે એક દિવસમાં 120 કરોડની કમાણી કરી છે, તો આર્થિક મંદી ક્યાં છે? તાજેતરમાં જ પ્રખ્યાત હાસ્ય કલાકાર કૃણાલ કામરાએ રવિશંકર પ્રસાદના આ નિવેદનની પ્રતિક્રિયા આપી છે.
કૃણાલ કામરાએ ટ્વીટર પર રવિશંકર પ્રસાદનો તે વિડીયો પોસ્ટ કરવાની સાથે લખ્યું કે, ‘હાલના દિવસોમાં દેશની સેવા કરવી કેટલી સરળ છે, માત્ર જઈને એક ખરાબ ફિલ્મ જોવાની છે.’ કુણાલનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેના પર પોતાનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે.
How easy it is to serve the national these days, just go watch a bad bollywod film… https://t.co/zfqaY9J3g4
— Kunal Kamra (@kunalkamra88) October 12, 2019
કોમેડિયન કુણાલ કામરા મુંબઇ સ્થિત કોમેડિયન છે અને તેમનો પોલિટિકલ-કોમેડી પોડકાસ્ટ ‘સ્ટેન્ડ અપ યા કુનાલ’ ખૂબ જ પ્રખ્યાત રહ્યો છે. કૃણાલ કામરાએ આઠ વર્ષ એડવર્ટાઇઝિંગ વર્લ્ડમાં કામ કર્યા પછી 2013 માં સ્ટેન્ડઅપ કોમેડી શરૂ કરી હતી. કુણાલ સોશિયલ મીડિયા પરની સામાજિક ચિંતાઓ અંગેના દોષરહિત અભિપ્રાય માટે જાણીતા છે અને તેમની લોકપ્રિયતા પણ આશ્ચર્યજનક છે.