પત્નીથી અલગ થયા બાદ ટેન્શનમાં રહેતા અમરોલીના યુવાને પોલીસને ફોન કર્યા બાદ ગળેફાંસો ખાધો હતો. તેના ઘરે પહોંચેલી પોલીસને જોઈને તેના પરિવારના સભ્યો ચોંકી ગયા કે અમારા ઘરમાં કોઈએ ફાંસો ખાધો નથી બાદમાં રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના મોટા વરાછા ખાતે આવેલા લિબર્ટી નાઈનમાં રહેતા 36 વર્ષીય ખોડાભાઈ રામજીભાઈ વાઘાણી ગઈકાલે સવારે ઘરે છતના હુકના પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે ખોડાભાઈ મૂળ ભાવનગરના પાલીતાણાના વતની હતા. તેમના લગ્નના બે વર્ષ બાદ પત્ની સાથે તેમની રકઝક થઇ હતી. જેથી તેમની પત્ની પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. પત્નીથી અલગ થયા બાદ એકલવાયુ જિંદગી જીવતા હોવાથી માનસિક તાણ અનુભવતા હતા. તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે.
નોંધનીય છે કે તેમણે ગઇકાલે વહેલી સવારે ઊઠીને જોગિંગ કરીને ઘરે આવ્યા હતા. બાદમાં તેમને સ્નાન કર્યું હતું, ત્યારબાદ તેમણે આ પગલું ભરવા પહેલા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું હતું કે આ એપાર્ટમેન્ટમાં એક યુવાને ફાંસો ખાધો છે. એ બિલ્ડિંગમાં હું રહું છું. જેથી શહેર કંટ્રોલરૂમ પોલીસે અમરોલી પોલીસની અંગે જાણ કરી હતી. તેથી અમરોલી પોલીસ તેમના ઘરે પહોંચી હતી ત્યારે આગળના રૂમમાં તેમની માતા અને બહેન બેઠા હતા ત્યારે પોલીસે તેમને પૂછ્યું કે આ ઘરમાં કોઇ આત્મહત્યા કરી છે.
આ સાંભળી તેની માતા ચૌકી ગયા કે અમારા ઘરમાં કોઈએ એવું કર્યું નથી. તેથી પોલીસ તેમના ઘરમાં જઈને જોયું તો બીજા રૂમમાં ખોડાભાઈ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેમના માતા અને બહેન હેબતાઈ ગયા હતા.
બાદમાં પોલીસે જે નંબર પરથી ફોન આવેલ હતો. તે નંબર પર ફોન કરી પોલીસે ટેલી કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે આ પગલું ભરવા પહેલા ખોડાભાઈ પોલીસને ફોન કર્યો હતો. બાદમાં આ અંગે પોલીસે કાર્યવાહી કરીને તેમના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ અંગે અમરોલી પોલીસે તપાસ આદરી છે.