વરિયાવ ગામની સીમમાં ખેતરમાં નહેરના પાણી ઘુસી જતા નહેરનો દરવાજો બંધ કરવાના મુદ્દે થયેલા ઝઘડામાં સેગવા ગામના યુવાનોએ હુમલો કરી ખેડુતના દાંત તોડી નાંખતા મામલો જહાંગીરપુરા પોલીસ મથકમાં પહોંચ્યો છે. વરિયાવ-જહાંગીરપુરા રોડ સ્થિત મણીનગર સોસાયટીમાં રહેતા ખેડૂત લલીત ઉર્ફે લલ્લુ ભગવાન પટેલ (ઉ.વ. 48) નું ચાર વિંધાનું ખેતર અટોદરા કેનાલથી છુટી પડતી ટુ એલ કેનાલ પાસે આવેલું છે.
જેમાં ગત રોજ નહેરના પાણી ભરાય જતા ઉભા પાકને નુકશાન નહિ થાય તે માટે પુત્ર મિરલ ખેતરે જઇ નહેરનો દરવાજો બંધ કરવા ગયો હતો. પરંતુ ત્યાં નજીકમાં જ ખેતર ધરાવતા વિજયભાઇ (રહે. હળપતિ વાસ, સેગવા-વસવાડી) નામના ખેડૂત સાથે નહેરનો દરવાજો બંધ કરવાના મુદ્દે ઝઘડો થયો હતો. આ દરમ્યાનમાં લલીત અને તેની પત્ની ઉષાબેન, બે પુત્ર અને પિતરાઇ ભાઇ મુકેશ સાથે તેઓ ખેતર નજીક ઉભા રહી વાતો કરી રહ્યા હતા ત્યારે સેગવા-વસવાડી ગામના આકાશ સહિત સાતથી આઠ જણા ઘસી આવ્યા હતા.
આકાશે લલીત સાથે ઝઘડો કર્યો હતો અને પોતાની પાસે ધારિયું હતું તે બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી એક ફેંટ મોંઢા પર મારી દેતા લલીતભાઇનો દાંત તુટી ગયો હતો. જેને પગલે બુમાબુમ થતા લોકો દોડી આવ્યા હતા અને આકાશ તથા તેની સાથે આવનાર અન્ય પાંચથી સાત યુવાનો ત્યાંથી ભાગી ગયા હતા. ઘટના અંગે લલીતે જહાંગીરપુરા પોલીસ મથકમાં આકાશ અને તેના મિત્રો વિરૂધ્ધ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.