પુન્હા આણુ યા આપલી સરકાર (ફરી લાવીએ આપણી સરકાર) લખેલું અને ભાજપના ચૂંટણી ચિહ્ન કમળના ચિત્રવાળું ટી શર્ટ પહેરેલા એક ખેડૂતે મહારાષ્ટ્રના બુલઢાણા વિસ્તારમાં આપઘાત કર્યો હતો જેને શિવસેનાએ ‘અત્યંત ગંભીર ઘટના’ ગણાવતું નિવેદન કર્યું હતું. મહારાષ્ટ્રમાં આ માસના છેલ્લા સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એની પૂર્વસંધ્યાએ બનેલી આ ઘટનાએ વિપક્ષોને એક જોરદાર મુદ્દો આપી દીધો હતો. ખેડૂતે એક વૃક્ષ પર લટકીને જાન આપી દીધો હતો.
એના શરીર પર ભાજપના ચૂંટણી ચિહ્ન અને ચૂંટણી સંદેશ લખેલું ટી શર્ટ હતું. એટલે શિવસેનાએ તરત આ વાતને ગંભીર ગણાવતું નિવેદન કરી નાખ્યું હતું. શિવસેનાની અબળખા છે કે ઉદ્ધવ ઠાકરેનો પુત્ર આદિત્ય ઠાકરે રાજ્યનો મુખ્ય પ્રધાન બને. ભાજપના હાલના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને ભાજપના રાષ્ટ્રીય નેતા તથા કેન્દ્ર્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂક્યા છે કે મુખ્ય પ્રધાન તો ભાજપના જ થશે.
મરનાર ખેડૂતનું નામ રાજુ તલવડે (ઉંમર વર્ષ 38) જણાવાયું હતું. એ બુલઢાણા જિલ્લાના ખટખેડ ગામનો રહેવાસી હતો. આજે સોમવારે સવારે સાડા આઠ વાગ્યે એનો મૃતદેહ એક ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. યોગાનુયોગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસના રાહુલ ગાંધી મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે છે ત્યારેજ આ ઘટના બની હતી.