રાંદેર ટાઉનમાં નાંણાકીય લેતદેતીના વિવાદમાં સાળીના ઇશારે કેબલ ઓપરેટરને રામનગર ચાર રસ્તા પાસે જાહેરમાં માર મારી રૂ.5 લાખની માંગણી કરનાર બે માથાભારે વિરૂધ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
સાળી બનેવી પાસે કરી પાંચ લાખની માગણી
રાંદેર કોટ ફળિયાના તયબા એપાર્ટમેન્ટમાં રહેતો સલીમ હાસીમ સાદ્દીક (ઉ.વ. 39) રાંદેર ટાઉનમાં સલીમ વિઝન નામે કેબલનો વ્યવસાય કરે છે. આજે બપોરના અરસામાં પત્ની સફીયાને સ્કુલે મુકી પરત મોપેડ પર ઘરે જઇ રહ્યો હતો ત્યારે પીછો કરતા-કરતા સજ્જાદ લાલુ શેખ (રહે. રસુલભાઇ જમાદાર સ્ટ્રીટ, રાંદેર ટાઉન) નામનો માથાભારે યુવાન આવ્યો હતો રાંદેર ટાઉનના સુથારવાડ ફળિયામાં સલીમને અટકાવી તેરી સાલી અસમા ને મુજે ભેજા હે ઓર પાંચ લાખ રૃપિયા મેરે કો દે પરના સાંજ તક મે તેરે કો પુરા દર દુંગા, એમ કહી રામનગર ચાર રસ્તા પાસે બોલાવ્યો હતો. જેથી સલીમે મારે કોઇ પૈસા આપવાના નથી એમ કહી રામનગર ચાર રસ્તા ખાતે ગયો હતો.
સલીમને જાહેરમાં માર મારતા લોકોનું ટોળું એકઠુ થઇ ગયું
જયાં ઇમરાન અતીક બોમ્બેવાળા ઘસી આવ્યો હતો અને સજ્જાદભાઇને તેરે કો જો પાંચ રૃપિયે બોલા હે ઉસક કયા હે ઓર કબ દેગા એમ કહી જાહેર રસ્તા પર માર મારવાનું શરૃ કર્યુ હતું અને આ અરસામાં જ સજ્જાદ પણ ત્યાં આવ્યો હતો અને બંન્ને જણાએ સલીમને જાહેરમાં માર મારતા લોકોનું ટોળું એકઠુ થઇ ગયું હતું અને બીજી તરફ પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી હતી. જેથી સજ્જાદ અને ઇમરાન પોલીસને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા. ઘટના અંગે સલીમે રાંદેર પોલીસ મથકમાં સજ્જાદ અને ઇમરાન વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.
સાળી અસમાએ સલીમ વિરૂધ્ધ છેડતીની ફરિયાદ પણ નોંધાવેલી
કેબલ ઓપરેટર સલીમ સાદ્દીકને જાહેરમાં માર મારી રૂ.5 લાખની માંગણી કરનાર સજ્જાદ જેના ઇશારે ધમકી આપી હતી તે અસમા ઇબ્રાહીમ સાલેભાઇ સલીમની સાળી છે. સલીમ અને અસમા વચ્ચે છેલ્લા ઘણા સમયથી નાંણાકીય વિવાદ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વર્ષ 2018માં અસમાએ સલીમ વિરૃધ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી અને હાલમાં આ કેસ કોર્ટમાં પેન્ડીંગ છે.