અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં હિંદુ પક્ષકારના વકીલ વૈદ્યનાથને દલીલ પૂર્ણ કરી. કોર્ટમાં હિંદુ પક્ષકાર વૈદ્યનાથને જણાવ્યુ હતુ કે, ૧૮૮૯ સુધી હિંદુ અને મુસ્લિમ એક જમીન પર પૂજાનો દાવો કરી રહ્યા હતા. જોકે, બાદમાં બ્રિટિશ સરકારે વિવાદિત જમીન પર રેલિંગ લગાવી હતી. પરંતુ હવે મુસ્લિમ પક્ષકાર વિવાદ કરી રહ્યા છે.
બ્રિટિશ સરકારે રેલિંગ લગાવ્યા બાદ મુગલોએ બળજબરીથી વિવાદિત જમીન પર મસ્જિદ બનાવી હતી. અને મંદિરને તોડી પાડ્યુ. તેમ છતા હિંદુઓ દ્વારા પૂજા કરવામાં આવતી હતી. વૈદ્યનાથને કહ્યુ કે, ૧૯૪૯ બાદ અહીં કોઈપણ પ્રકારની નમાઝ અદા કરવામાં આવી નથી. અને મુસ્લિમ પક્ષકાર પાસે કોઈપણ પ્રકારના પૂરાવા નથી. ૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ના દિવસે શુક્રવાર હતો પરંતુ મૂર્તિ હોવાના કારણે અહીં નમાઝ પઢવામાં નહોતી આવી.
૧૯૪૯થી વિવાદિત જમીન પર પૂજા કરવામાં આવી રહી છે. કોર્ટમાં સુનાવણ દરમ્યાન સીજેઆઈએ વકીલ વૈદ્યનાથનને જણાવ્યુ હતુ કે, તમારી દલીલનો સમય પૂર્ણ થયો છે. જે બાદ કોર્ટે ગોપાલસિંહ વિશારદ અને વકીલ રંજીત કુમારને દલીલ માટે બે મીનિટનો સમય આપ્યો હતો.
કોર્ટની કાર્યવાહી શરૂ થતાની સાથે સીજેઆઈ રંજન ગોગોઈ જણાવ્યુ હતુ કે, સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમામ પક્ષને દલીલ પૂર્ણ કરવાની રહેશે. સુનાવણી દરમ્યાન પક્ષકારના વકીલ સિવાય કોઈને બોલવાની મંજૂરી આપવામાં નથી. અયોધ્યા કેસ મામલે અમે વધારે સમય હવે નહીં આપીએ. જેથી આજે તમામ દલીલને પૂર્ણ કરવામાં આવે.