તુર્કી મહાશક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની ધમકીને 48 જ કલાકમાં ઘોળીને પી ગયું છે. યુદ્ધ વિરામની વાતો વચ્ચે તુર્કીએ સીરિયાના ઉત્તર પૂર્વી વિસ્તારમાં ફરી એકવાર ભયાનક બોમ્બમારો શરૂ કરી દીધો છે. જેમાં 14 નાગરિકોના મોત નિપજ્યા છે. એટલુ જ નહીં ટ્રમ્પની ધમકીને હવામાં ઉડાવી દેતા તુર્કીના રાષ્ટ્રપતિ રિજેબ તૈય્યપ અર્દોઆને ધમકીએ આપી છે કે આગામી સમયમાં આ બોમ્બમારો વધારે વેગીલો બનશે.
આશ્ચર્યજનક વાત એ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે થોડા કલાક પહેલા જ 5 દિવસ સુધી સીરિયામાં તુર્કી દ્વારા કરવામાં આવેલા યુદ્ધ વિરામની જાણકારી આખી દુનિયાને આપી હતી.
સમજુતિના થોડા જ કલાકોમાં શરૂ કર્યો બોમ્બમારોટ્રમ્પે ગુરૂવારે જ ટ્વિટ કરીને કહ્યું હતું કે, યુદ્ધ વિરામના પાંચ દિવસોમાં કુર્દ લડવૈયાઓને સરહદની અડીને આવેલા યુદ્ધગ્રસ્ત શહેર રાસ અલ-એન સહિત એ અંતરિયાળ વિસ્તારોમાંથી ખસેડવામાં આવશે જ્યાં તુર્કી પોતાનું નિયંત્રક ઈચ્છે છે. કુર્દ લડવૈયાઓના એક પ્રવક્તા મુસ્તફા વાલીએ ટ્વિટર પર જાણકારી આપી હતી કે, તુર્કી દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓ યથાવત છે. તુર્કી રહેણાકી વિસ્તારની સાથો સાથ હવે તો એક હોસ્પિટલને પણ પોતાનું નિશાન બનાવી રહ્યું છે. જેના પર પ્રતિક્રિયા આપતા રિજેબ તૈય્યપ અર્દોઆને કહ્યું છે કે, તુર્કીના સૈન્ય દળોએ આક્રમણ અટકાવી દીધું છે અને આ લડાઈ ત્યારે જ શરૂ થશે જો કુર્દ લડવૈયા મંગળવાર રાત સુધીમાં આ વિસ્તાર ખાલી ના કરી દે.
120 કલાકની અવળી ગણતરી શરૂ : અર્દોઆન
અર્દોઆને કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 120 કલાકની અવળી ગણતરી શરૂ થઈ ગઈ છે. આ સમયગાળામાં આતંકવાદી સંગઠન વીપીજી એ વિસ્તારને છોડી દેશે જેને અમે સુરક્ષિત વિસ્તાર જાહેર કર્યો છે. તેમને કહ્યું હતું કે, તુર્કી નોર્થઈસ્ટ સીરિયામાં 12 ઓબ્જર્વેશનલ પોસ્ટ ઉભા કરશે. પરંતુ આ દાવા વચ્ચે જ તુર્કીએ અમેરિકાની ધમકી અને યુદ્ધ વિરામની સમજુતિને ફગાવી દઈ સીરિયામાં ફરી એકવાર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. તુર્કીના આ નિર્ણયથી અમેરિકા ભડકે તેવી શક્યતા છે.