ઇચ્છાપોર તરફથી અડાજણ પોતાના ઘરે જઇ રહેલા સોનીને ગત રાત્રે નવ વાગ્યાના અરસામાં ભાઠા નજીક પલ્સર મોટરસાઇકલ સવાર ત્રણ લુંટારૂઓએ આંતરી માર મારી રોકડા, સોનાની લગડી અને દાગીના મળી કુલ રૂા. 2.17 લાખની મત્તા વાળી બેગ લુંટીને ભાગી ગયા હતા.
અડાજણ ધોબીના ખાંચા નજીક સ્ટાર બજારની પાછળ સન કો-ઓપરેટીવવ એપાર્ટમેન્ટમાં રહેતો સોની પરેશ ભીખુભાઇ પારેખ (ઉ.વ. 48) ગત રોજ મોટરસાઇકલ પર ધંધા અર્થે ઇચ્છાપોર ગયા હતા.
જયાંથી તેઓ રાત્રે નવ વાગ્યાના અરસામાં પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે ઇચ્છાપોર નજીક ભાઠા ગામના ભંડારીવાડ પાસે પલ્સર મોટરસાઇકલ પર આવેલા ત્રણ લુંટારૂઓએ પરેશભાઇની મોટરસાઇકલ આંતરી માર માર્યો હતો અને તેમની પાસેથી રોકડા રૂા. 57 હજાર, 28 ગ્રામ વજનની સોનાની લગડી કિંમત રૂા. 1.04 લાખ, સોનાની ઢાળકી 10 ગ્રામની રૂા. 38 હજારની અને મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2.17 લાખની મત્તા લુંટી હજીરા તરફ ભાગી ગયા હતા.
ઘટના અંગે પરેશ પારેખે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઇચ્છાપોર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે લુંટનો ગુનો નોંધી મોટરસાઇકલ સવાર ત્રણ લુંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.