ભાઠેના તગાડીવાળા કંપાઉન્ડમાંથી ફ્લીપકાર્ડ કંપનીના સુરતના ડીલર પાસેથી 3 લાખની ઉપરની 22 ઇલેક્ટ્રોનિક્સ આઇટમ લઇ નવસારીના ગ્રાહકોને ડીલીવરી કરવા નીકળેલો ડ્રાઇવર બે ડીલીવરી બોયને અમન સોસાયટી પાસે નાસ્તો કરવા ઉતારી દઇ ભાગી છૂટ્યો હતો. બે દિવસ બાદ ટેમ્પો ભેસ્તાન આવાસ પાસેથી મળી આવ્યો હતો. તેમાંથી 1.22 લાખની કિંમતની 8 આઇટમ ચોરી થઇ ગઇ હોઇ ડીલરે ડ્રાઇવર વિરૂદ્ધ ઉધના પોલીસ મથકે છેતરપીંડીંની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા યુનિસ હાજી સલીમ શેખ ભાઠેના તગાડીવાળા કમ્પાઉન્ડમાં એ.આઈ.એમ. લોજીસ્ટીક કંપની ચલાવે છે. તેમની કંપનીમાંથી ફ્લીપ કાર્ડ કંપનીમાં સુરત કે તેની આસપાસના ગ્રાહકો દ્વારા મંગાવાયેલો ઓર્ડર પહોંચાડવાનું કામ છે.
પેઢીના કેશિયર સૈયદ ઝુબેર મારફત પરિચયમાં આવેલા અને ટેમ્પો ડ્રાઇવીંગ કરતા ઉધના કલ્યાણ કુટીરના આનંદ ઉર્ફે દિવ્યાંશુનંદ રાજકિશોર પ્રસાદ ગત સામતી ઓક્ટોબરે ફ્લીપ કાર્ટ કંપની દ્વારા નવસારીના ગ્રાહકોને ડીલીવરી માટે મોકલાયેલા 3 લાખની ઉપરની 22 ઇલે. આઇટમ સાથે મોકલવામા આવ્યો હતો. સાથે સંદિપ અને જીતેન્દ્ર નામના બે ડીલીવરી બોય પણ મોકલવામા આવ્યા હતા. ટેમ્પો ભાઠેના અમન સોસાયટી પાસે પહોંચ્યો હતો ત્યારે ડ્રાઇવરે બંને ડીલીવરી બોયને નાસ્તો કરવા મોકલી ટેમ્પો સાથે ફરાર થઇ ગયો હતો. થોડાંક દિવસ બાદ આ ટેમ્પો ભેસ્તાન આવાસ પાસેથી બિનવારસી અવસ્થામા મળી આવ્યો હતો. તેમાંથી ફ્રીજ સહિતની 14 આઇટમ તો હેમેખેમ મળી હતી, પરંતુ એ.સી., પાંચ ટી.વી. સહિત 1.22 લાખની કિંમતની 8 આઇટમ ચોરી થઇ ગઇ હોઇ મામલો છેવટે ઉધના પોલીસ મથકે પહોંચ્યો હતો.