અયોધ્યામાં ભવ્ય દિપોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી હતી અને કહ્યું હતું કે ભગવાન રામની પરંપરા પર આપણને સૌને ગૌરવની અનુભૂતિ થાય છે. સાથે જ તેમણે વિરોધ પક્ષો પર પણ આકરા પ્રહાર કર્યા હતાં. યોગીએ પીએમ મોદીના ભારોભાર વખાણ કર્યા હતાં.
કાર્યક્રમ અંતર્ગત અયોધ્યામાં રામના જીવન વૃતાંતને દર્શાવતી 11 પ્રદર્શનીઓની શોભાયાત્રા કાઢવામાં આવી છે. ફિઝીના ડેપ્યૂટી સ્પીકર વીના કુમાર ભટનાગરે દિપોત્સવની શોભાયાત્રાને લીલી ઝંડી દર્શાવીને રવાના કરી હતી. શોભાયાત્રામાં સાંસ્કૃતિક કલાકારોએ પણ ભાગ લીધો નથી. અયોધ્યામાં આજે યોગી 226 કરોડની વિકાસ યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે.
દીપોત્સવમાં લંકા વિજય પછી રામ અયોધ્યા પરત આવ્યા તે દ્રશ્ય ઉભું કરવામાં આવશે. આટલું જ નહીં, દીપોત્સવમાં દીપની જ્વાળામાં ભગવાન રામના દર્શન પણ કરાવવામાં આવશે. અવધ વિશ્વવિદ્યાલયના દ્રશ્ય કલા વિભાગ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. આ વખતે દીવડાઓને સીધા નહીં પરંતુ ગ્રાફિક્સ દ્વારા ઘાટ પર સજાવવામાં આવશે. આ ગ્રાફિક્સને જોતા જ રામ, સીતા અને હનુમાન સહિત અયોધ્યાના દર્શનીય સ્થળોની આકૃતિ ઉભી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભારત, નેપાળ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ એમ કુલ મળીને 5 દેશોના કલાકાર રામલીલા ભજવશે. તે સાથે જ 22 સાંસ્કૃતિક રથ પણ તૈયાર કરવામાં આવશે.