બે દીકરા છે પણ તેના પિતા કોણ તે સવાલે, ભુજના એક પરિવારમાં હડકંપ મચાવી દીધો છે. લગ્નના દસ વર્ષ બાદ, પતિનું કહેવું છે કે, તેની પત્ની સાથે તેના ક્યારેય શારીરિક સંબંધો રહ્યા જ નથી. આ સંજોગોમાં આ બાળકો તેના કેવી રીતે હોય શકે ? તેની પત્નીએ વ્યભિચાર આચર્યો છે. પતિએ કરેલી DNA ટેસ્ટની માગની અરજીમાં હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, આ કેસમાં પૈતૃકતા સાબિત કરવા માટે વૈજ્ઞાનિક રસ્તો DNA ટેસ્ટ છે. તેથી અરજદાર પતિ અને બંને બાળકોના DNA ટેસ્ટ ભુજની સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવે.
આ માટે બાળકો અને પતિના લોહીના નમૂના લેવામાં આવે અને તેને DNA ટેસ્ટ માટે ગાંધીનગર DSL મોકલવામાં આવે. આ પછી. ગાંધીનગર FSL તેનો રિપોર્ટ સીલ બંધ કવરમાં ટ્રાયલ કોર્ટમાં રજૂ કરે. હાઇકોર્ટે અરજદારની પત્નીને છૂટ આપી છે કે, ખુદનો DNA ટેસ્ટ કરાવવો કે નહીં તે અંગે તેણી નિર્ણય લઈ શકે છે. જો, અરજદારની પત્ની DNA ટેસ્ટ કરાવવાની ના પાડે તો, આ સંજોગોમાં ટ્રાયલ કોર્ટ એવિડન્સ એક્ટની જોગવાઈ મુજબ આ મહિલાની વિરુદ્ધમાં ધારણા કરીને જરૂરી આદેશ કરી શકશે. હાઇકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, આ કેસમા પત્નીના હક્કો સુરક્ષિત રહે તે જરૂરી છે. તેથી અરજદાર પતિ ટ્રાયલ કોર્ટમાં રૂ. એક લાખ જમા કરાવે.