દિવાળીના તહેવાર દરમિયાન જુદા જુદા રાજ્યોમાં આતશબાજીની તસવીરો સામે આવી રહી છે. દિવાળી માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સમય પર લોકો તેમના પરિવાર અને મિત્રો સાથે આતશબાજી કરતા નજરે પડ્યા હતા. રવિવારે સવારે સોશિયલ મીડિયા પર લોકો તેમના પ્રિયજનોને દિવાળીની શુભેચ્છા પાઠવતા નજરે પડ્યા હતા. રવિવારે દીવાળીના તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને તમામ કેન્દ્રીય મંત્રીઓએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.
દીવાળીના પ્રસંગે રવિવારે ચેન્નઇના લોકોએ આતશબાજી કરીને હર્ષોલ્લાસ સાથે દીવાળીનો તહેવાર ઉજવ્યો હતો. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે તામિલનાડુ સરકારે આતશબાજી માટે સવારે 6 થી 7 અને સાંજે 7 થી 8 સુધી ફટાકડા ફોડવા માટેનો સમય નક્કી કર્યો હતો. તેવી જ રીતે ઉત્તર પ્રદેશની સરકારે આતશબાજી માટે રાત્રે 8 થી 10 વાગ્યાના સમય માટે મંજૂરી આપી છે.
જમ્મુ કાશ્મીરમાં બીએસએફએ દિવાઓ સળગાવીને દીવાળીની ઉજવણી કરી હતી. ત્યાં સૈનિકોએ ડાન્સ કરીને એક બીજાને મિઠાઇ વહેંચી હતી. રાજધાની દિલ્હીમાં આતશબાજી કરવા માટે જુદી જુદી જગ્યાઓ નક્કી કરવામાં આવી હતી. અહીં સામાન્ય પ્રજાને ફક્ત ગ્રીન ફટાકડા ફોડવાની જ મંજૂરી આપવામાં આવી છે.