શનિવારે ઉત્તર પશ્વિમ સીરિયામાં યુએસના સ્પેશિયલ ઓપરેશન કમાન્ડો દ્રારા કરવામાં આવેલા હુમલામાં સીરિયાના ઉત્તર પશ્વિમ વિસ્તારમાં આઇએસઆઇએસનો વડો અબુબકર અલ બગદાદી માર્યો ગયો હોવાના અહેવાલ અમેરિકાના મીડિયામાં રવિવારે પ્રસિદ્ધ થયા છે. યુએસ સંરક્ષણ વિભાગના ઉચ્ચ સંરક્ષણ અધિકારીને ટાંકીને સીએનએનએ કહ્યું છે કે, ડીએનએ અને બાયોમેટ્રિક પરિક્ષણ પછી તેની અંતિમ પુષ્ટી કરવામાં આવશે. સંરક્ષણ અધિકારીના કહેવા પ્રમાણે એવુ લાગે છે કે, ઓપરેશન દરમિયાન બગદાદીએ આત્મઘાતી ધડાકો કર્યો હતો. સીઆઇએએ તેને શોધવામાં મદદ કરી હતી. દરમિયાન વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટટરી હોગન ગિડલેએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે મોટી જાહેરાત કરશે જે વિદેશ નીતીને સંબંધિત છે. જો કે, રાષ્ટ્રપતિ ટ્રમપે પણ એવું ટ્વિટ કર્યું હતું કે, કંઇક બહુ મોટું થયું છે.
એક અખબારે પહેલા અહેવાલ આપ્યો હતો કે, દુનિયાનો મોસ્ટ વોન્ટેડ માણસ માર્યો ગયો હોવાનું મનાઇ રહ્યું છે. બગદાદી પોતાની જાતને ખલીફા જાહેર કર્યો હતો અને ખિલાફતના નામે ઇરાક અને સીરિયાના વિવિધ શહેરોમાં ભારે આતંક મચાવ્યો હતો. જૂલાઇ 2014માં મોસુલની અલ નૂરી મસ્જિદમાં તે ફક્ત એક જ વખત જાહેરમાં દેખાયો હતો. 2017માં ઇરાકી સેનાએ આ મસ્જિદનો કબજો પરત મેળવ્યો હતો. આ વર્ષે માર્ચ મહિનામાં તેના જેહાદી સંગઠને એક વીડિયો બહાર પાડ્યો હતો જેમાં તે પાંચ વર્ષમાં પહેલી વખત દેખાયો હતો અને તેણે બાગોઝના યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો જે માર્ચમાં પૂરૂ થયું હતું.