ભારતીય પસંદગીકારો કોહલીની પત્ની અનુષ્કા શર્માને ચા નો કપ પિરસતા હતા, તેવી કોમેન્ટ કરીને વિવાદનો વંટોળ સર્જનારા ભૂતપૂર્વ ક્રિકેટર ફારૃખ એન્જિનયરે ખુલાસો કરતાં કહ્યું છે કે, મેં મજાકમાં કરેલી વાતનું વતેસર થઈ ગયું. મારો ઈરાદો અનુષ્કા શર્માને બદનામ કરવાનો નહતો. નોંધપાત્ર છે કે, પસંદગીકારોની ટીકા કરવા માટે એન્જિનિયરે કરેલી કોમેન્ટથી આઘાતગ્રસ્ત અનુષ્કાએ સોશિયલ મીડિયામાં પોતાની નારાજગી ઠાલવી હતી.
એન્જિનિયરે પોતાની કોમેન્ટ અંગે ખુલાસો કરતાં કહ્યું કે, મેં મજાકમાં કરેલી વાતનું વતેસર થઈ ગયું અને બિચારી અનુષ્કા નાહકની વિવાદમાં ઘસડાઈ ગઈ. તે ઘણી સારી છોકરી છે. કોહલી સારો કેપ્ટન છે અને શાસ્ત્રી પણ ઘણો સારો કોચ છે. આખી બાબત બિનજરુરી રીતે ચર્ચાને ચગડોળે ચઢી. ભારતીય ટીમનું બ્લેઝર પહેરીને રોફ મારતા એક સિલેકટરથી હું નારાજ થયો હતો અને તેના કારણે મેં કોમેન્ટ કરી હતી. એન્જિનિયરે ગઈકાલે કહ્યું હતુ કે, એક વ્યક્તિ ભારતીય ટીમનું બ્લેઝર પહેરીને ફરી રહી હતી. હું તેને ઓળખી ન શક્યો. જ્યારે મેં તેને પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે, હું ભારતીય ટીમનો પસંદગીકાર છું.
એન્જિનિયરે ટીમ ઈન્ડિયાની વર્તમાન સિલેક્શન પેનલને ‘મિકી માઉસ સિલેક્શન પેનલ’ નામ આપ્યું હતુ. આવી પસંદગી સમિતિ હોવાથી ટીમ સિલેક્શન પર કેપ્ટન કોહલીનો જબરજસ્ત પ્રભાવ રહે છે, જે સારી બાબત કહેવાય. જોકે સવાલ એ છે કે, હાલના સિલેક્શન પેનલના સભ્યો ખરેખર સિલેક્શન પેનલમાં સ્થાન મેળવવા માટે લાયક છે ખરાં ?! તેઓ બધાના આંતરરાષ્ટ્રીય અનુભવને જોઈએ તો માંડ તેમની ટેસ્ટ મેચોની સંખ્યા ૧૧-૧૨ થાય છે.
એક સમયના આક્રમક બેટસમેન એન્જિનિયરે કહ્યું કે, હું તો એક સિલેક્ટરને ઓળખી પણ શક્યો નહતો. તેણે ભારતનું બ્લેઝર પહેર્યું હોવાથી મેં તેને સવાલ કર્યો હતો કે, ભાઈ, તું કોણ છે ? તેણે ગર્વથી કહ્યું કે, હું ભારતની ટીમની સિલેક્શન પેનલનો સભ્ય છું. તેઓ બધા અનુષ્કા શર્મા ને ચા નો કપ આપવામાં વ્યસ્ત હતા. એન્જિનિયરે કહ્યું કે, ટીમ ઇન્ડિયાની સિલેક્શન પેનલમાં તો દિલીપ વેંગસરકર જેવા ધુરંધર હોવા જોઈએ.