લંડનથી સિડીનીનું અંતર લગભગ 17 હજાર કિમી છે. સામાન્ય રીતે વિમાન દ્વારા સિડની પહોંચવા માટે લગભગ 22થી 25 ક્લાક લાગે છે. પરંતુ 2030 સુધી આ અંતર માત્ર ચાર ક્લાકમાં કાપી શકાશે. જેના માટે બ્રિટન હાઇપરસોનિક વિમાનની શરૂઆત કરવામાં લાગ્યું છે. આ મામલે બ્રિટિશ સ્પેસ એજન્સી ઓસ્ટ્રેલિયાની એજન્સી સાથે કામ કરી રહી છે.
હાઇપરસોનિક વિમાનનું એન્જિન સિનર્જેટિક એર-બ્રેથિંગ રોકેટ એન્જિન (એસએબીઆરઇ) પર આધારિત છે. એસએબીઆરઇ એન્જિનની ગતિ મૈક 5 (અવાજની ગતિથી પાંચ ગણી) વધારે હોય છે, જ્યારે વાયુમંડળમાં આની ગતિ મૈક 25 સુધી પહોંચી શકે છે.
બ્રિટિશ સ્પેસ એજન્સીના પ્રમુખ ગ્રાહમ ટર્નાકે જણાવ્યું હતું કે, એસએબીઆરઇ રોકેટ એન્જિનને કારણે અમે ચાર ક્લાકમાં ઓસ્ટ્રેલિયા પહોંચી શકીશું. આ ખૂબ જ અદ્યતન ટેક્નોલોજી છે. 2030 સુધી અમે આ વિમાનનું સંચાલન કરી શકીશું.
2003માં બંધ થયેલા કોનકોર્ડ સુપરસોનિક વિમાનની ગતિથી આ વિમાનની ગતિ 50 ટકા વધારે છે. કોનકોર્ડ વિમાને 21 જાન્યુઆરી, 1976ના રોજ પ્રથમ વખત લંડનથી પેરિસની વચ્ચે ઉડાન ભરી હતી. વિમાનને લંડનથી પેરિસ પહોંચવામાં માત્ર 3.5 ક્લાક લાગ્યા હતા.