જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નિષ્ક્રિય કર્યા બાદ અને જમ્મુ-કાશ્મીર, લદ્દાખને નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદ ભારત સરકારે દેશનો નવો નકશો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર પુન:ગઠન અધિનિયમ 2019 જાહેર કર્યા બાદ જમ્મુ અને કાશ્મીર રાજ્ય, 31 ઑક્ટોબર 2019નાં નવા જમ્મુ-કાશ્મીર સંઘ રાજ્ય ક્ષેત્ર તથા નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં પુન:ગઠિત થઇ ગયું છે.
નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં કારગિલ તથા લેહ બે જિલ્લા છે અને જમ્મુ અને કાશ્મીર રાજ્યનો બાકીનો ભાગ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં છે. 1947માં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં 14 જિલ્લા હતા, જેમાં કઠુઆ, જમ્મુ, ઉધમપુર, રિયાસી, અનંતનાગ, બારામૂલા, પુંછ, મીરપુર, મુઝફ્ફરાબાદ, લેહ અને લદ્દાખ, ગિલગિલટ, ગિલગિટ વઝારત, ચિલ્હાસ અને ટ્રાઇબલ ટેરિટોરી.
2019 સુધી આવતા આવતા જમ્મુ અને કાશ્મીરની રાજ્ય સરકારે આ 14 જિલ્લાઓમાં ક્ષેત્રોને પુન:ગઠિત કરીને 28 જિલ્લા બનાવી દીધા. નવા જિલ્લાઓમા કુપવારા, બાન્દીપુર, ગંડેરબલ, શ્રીનગર, બડગામ, પુલવામા, શૂપિયાન, કુલગામ, રાજૌરી, રામબન, ડોડા, કિશ્તવાર, સામ્બા અને કારગિલ છે. આમાં કારગિલ જિલ્લાને લેહ અને લદ્દાખ ક્ષેત્રમાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન 2019 દ્વારા નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં લેહ અને કારગિલ જિલ્લા સામેલ છે.
31 ઑક્ટોબર 2019નાં બનાવવામાં આવેલા નવા જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ, નવા લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશને ભારતનાં નવા નકશામાં દર્શાવતા સર્વેઅર જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા મેપમાં દર્શાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 5 ઑગષ્ટ 2019નાં ઐતિહાસિક નિર્ણય લેતા ભારતીય સંવિધાનની કલમ 370 અને 35-એને નિષ્ક્રિય કરી દીધી હતી.