આણંદ જિલ્લાના ઐતિહાસિક બંદરનો વિકાસ છેલ્લા ઘણાં સમયથી ખોરંભે પડયો હોવાની ફરિયાદો ઉઠી છે. વામણી નેતાગીરીના કારણે ખંભાત બંદરનો વિકાસ રૂંધાયો હોવાનો સુર જાગૃતોએ વ્યક્ત કર્યો છે. સાંસદ તેમજ સ્થાનિક ધારાસભ્યોની નબળી નેતાગીરીના કારણે ઉચ્ચકક્ષાએથી આ મામલે કોઈ જ કાર્યવાહી ન થતી હોવાની ચર્ચાઓ નવાબીનગરી સહિત આણંદ જિલ્લાના નાગરિકોમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.
વધુમાં મળતી વિગતો મુજબ વર્ષો પહેલા ખંભાત બંદરે ૬૪ દેશના વાવટા ફરકતા વહાણો લાંગરતા હતા. રાજા અકબરે પણ ખંભાતની મુલાકાત લીધી હતી. તે વખતે ખંભાતની જાહોજલાલી કંઈક ઓર જ હતી. જો કે સમય વીતતા યોગ્ય વિકાસના અભાવે ખંભાત બંદરનો ઉપયોગ ઘટવા લાગ્યો હતો.
સાથે સાથે કાંપના કારણે દરિયો દૂર જતા ખંભાત બંદર માત્ર નામ પુરતુ રહેવા પામ્યું છે. જે તે સમયે કલ્પસર યોજના હેઠળ બંદરને પુનઃ ધમધમતુ કરવા માટે કામગીરી શરૂ તો કરાઈ હતી પરંતુ આ યોજના અંતર્ગત કામગીરી ક્યારે પૂર્ણ થશે તે તો રામ જાણે જેવો ઘાટ સર્જાતા નવાબીનગરીમાં બંદરના વિકાસનો પ્રશ્ન યથાવત રહેવા પામ્યો છે. જો કે સબળ નેતાગીરીના અભાવે બંદરનો વિકાસ ખોરંભે પડયો હોવાનો મત જાગૃતોએ વ્યક્ત કર્યો છે.
જો બંદરનો વિકાસ કરી પુનઃ ધમધમતુ કરવામાં આવે તો રોજગારીની તકો વિકસી શકે છે અને આણંદ તથા ખેડા જિલ્લાના વેપારીઓને પણ લાભ મળી શકે તેમ છે. થોડા સમય પૂર્વે પ્રધાનમંત્રી દ્વારા ઘોઘા-દહેજ ફેરી સર્વિસ શરૂ કરાઈ હતી ત્યારે તેની સાથે સાથે ખંભાતથી મુંબઈ કે ખંભાતથી પોરબંદર સુધી ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હોત તો લોકોના નાણાં અને સમયનો બચાવ થાત તેવો મત જાગૃતોએ વ્યક્ત કર્યો છે. ચૂંટણી ટાંણે ઠાલા વચનો આપતા રાજકીય નેતાઓ સહિત ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોની આ વ્યાજબી માંગણીને ફળીભૂત કરવા માટે એકજૂટ થઈ કામગીરી કરી બંદરને પુનઃ ધમધમતુ કરવામાં આવે તેવી માંગ જાગૃતો દ્વારા કરાઈ છે.