કાપોદ્રા બુટ ભવાની મંદિર નજીક બીઆરટીએસ રૃટ પર રખડતા ઢોર પકડવા જનાર સુરત મ્યુનિ.ની ઢોર પાર્ટી પર ત્રણ રબારીએ હુમલો કરી ઢોર છોડાવીને ભાગી જતાં કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
સુરત મ્યુન.ના માર્કેટ ખાતામાં ફરજ બજાવતો કલાર્ક અમિત નાથુ પટેલ (રહે. કોબાગામ, ઓલપાડ) રવિવારે 11-00 વાગ્યાના અરસામાં ઢોર પાર્ટીના વિષ્ણુકુમાર રાજેન્દ્ર પટેલ, શૈલેન્દ્રસિંહ ભગવાન વાળા, દેવેન્દ્ર પટેલ, આકાશ ગઢવી સહિતના સ્ટાફ સાથે કાપોદ્રા બુટ ભવાની મંદિર સ્થિત બીઆરટીએસ રોડ પર રખડતા ઢોર (ગાય) પકડવા માટે ગયા હતા. રસ્તા પર રખડતી ત્રણ ગાય પકડીને દોરડા વડે બાંધી હતી. ત્યાર બાદ ગાયને પાંજરાપોળમાં લઇ જવા માટે ટ્રેકટર મંગાવી તેની તેની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે સ્થાનિક વિસ્તારના માથાભારે બાવકો રબારી, લાલા ભોજા રબારી સહિત ત્રણ રબારીઓ હાથમાં લાકડી લઇ ઘસી આવ્યા હતા. જે પૈકી લાલા ભોજા રબારીએ ત્રણેય ગાય છોડી મુકવા માટે કહ્યું હતું. પરંતુ સ્ટાફે કાયદેસર કાર્યવાહી બાદ ઢોર છોડવાની વાત કરી હતી. જેથી ઉશ્કેરાયેલા ત્રણ પૈકીના એક રબારીએ જબરજસ્તી ત્રણેય ગાય છોડાવી લીધી હતી. જેથી ઢોર પાર્ટીના સ્ટાફે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ત્રણેય રબારીએ જો ફરિયાદ કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા. ઘટના અંગે અમિત પટેલે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.