દિલ્હી બાદ યુપીમાં પણ વકીલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પેદા થયુ છે. યુપીના કાનપુરમાં વકીલોએ SSP ઓફિસ પર પથ્થરમારો કર્યો અને તેમણે પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા. જેનાથી ઘટનાસ્થળે પરિસ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. વકીલો અને પોલીસ વચ્ચે પરિસ્થિતિ બગડતા મહિલા કૉન્સ્ટેબલોએ મોર્ચો સંભાળ્યો. વકીલોએ ટ્રાફિક પોલીસને પણ માર માર્યો
રવિવારે નોબસ્તાના કેશવ નગર સ્થિત એક રેસ્ટોરન્ટમાં બાર અને લૉયર્સ એસોસિએશનના પદાધિકારી સાથે મારામારી અને દિલ્હીમાં પોલીસ કર્મચારીઓએ વકીલો સાથે કરેલી મારામારીના વિરોધમાં સોમવારે SSP ઑફિસને ઘેરી લીધી હતી. આ દરમિયાન વકીલોએ SSP ઑફિસ પર પથ્થરમારો પણ કર્યો. વકીલોએ ટ્રાફિક પોલીસને પણ માર માર્યો. VIP રોડને જામ કરીને પોલીસની ગાડીના કાચ તોડી નંખાયા. કાનપુર કિચન રેસ્ટોરન્ટમાં થયેલા વિવાદમાં રવિવારે પોલીસે બંને પક્ષો પર IPCની કેટલીક કલમ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે 150 અજાણ્યા વકીલો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ કર્મચારીઓ અને રેસ્ટોરન્ટ માલિક પર પણ કેસ નોંધાયો છે.