દિવાળી પહેલાની મ્યુનિ.ની સામાન્ય સભામાં વરાછા-મગોબ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠાની દરખાસ્ત પર કોંગ્રેસે આક્રમક વિરોધ કર્યો હતો. 24 કલાક પાણીના નામે લોકોને મસ મોટા બિલ ફટકારી દેવામાં આવશે તેવી ભીતી કોંગ્રેસે વ્યક્ત કરી હતી. જોકે, પાલિકાએ કોંગ્રેસની આ ભીતીને સાચી પાડી અમરોલીના એક ગાળા ટાઈપ મકાનમાં એક મહિનાનું પાણીનું બિલ 14482 રૂપિયા ફટકારી દીધું છે. નોકરીના પગાર જેટલું બિલ પાણીનું ફટકારી દેતાં મકાન માલિક બહાવરા બની બની ન્યાય માટે વલખા મારી રહ્યાં છે.
પાલિકાના કતારગામ ઝોનના કોસાડરોડ પર ક્રિષ્નાનગર સોસાયટી આવી છે. આ સોસાયટીમાં ઘર નંબર 106માં છેલ્લા ઘણા વખતથી પાણીનું બિલ 88 રૂપિયા આવી રહ્યું છે.
છેલ્લા ચારેક માસથી મકાન માલિક દ્વારા નિયમિત રીતે પાણીના બિલના પેટે 88 રૂપિયાની રકમ ઓન લાઈન ભરી દેવમા આવી છે. પરંતુ આ ઘરના પાણીના બિલ માટે 19 ઓગષ્ટથી 19 સપ્ટેમ્બર સુધીની બિલ સાઈકલ આવી ત્યારે મકાન માલિકના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.
સરેરાશ 88 રૂપિયા મહિનાનું બિલ આવતું હતું તે મકાનમાં માત્ર ત્રણ વ્યક્તિ રહે છે તેનું પાણીનું એક મહિનાનું બિલ 14482 રૂપિયા ફટકાર દેવામા આવ્યું છે. પોતાનો પગાર નથી એટલું પાણીનું બિલ આવી જતાં મકાન માલિક અનેક જગ્યાએ રજુઆત કરી રહ્યાં છે.
જોકે, પાલિકાના વિવિધ વિભાગમાં રજુઆત કરીને ન્યાય મેળવવા માટે ધરમ ધક્કા ખાઈ રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા ખોટું બિલ આપ્યું હોવાની કબુલાત કરવાના બદલે આ કનેક્શનમાંથી બોરીંગમાં પાણી જતું રહ્યું હોવાનો ખુલાસો કરવામા આવી રહ્યો છે. એક ઘરમાં આટલું મોટું બિલ જોઈને અન્યલોકો પણ ગભરાઈ રહ્યાં છે. પાલિકા તંત્ર આવી જ નીતિ રાખશે તો લોકો ૨૪ કલાક પાણીનો આક્રમક વિરોધ કરશે તે નક્કી છે.