સુરત મ્યુનિ.ને ઈ ગર્વનન્સના આંતરરાષ્ટ્રીય સંસ્થાનો એવોર્ડ મળ્યો પરંતુ ગુગલ પર સુરત મ્યુનિ.ના વરાછા ઝોનનો નંબર હેક કરીને કોઈ હેકર પોતાનો નંબર રાખીને સુરતની પ્રજા સાથે છેતરપીંડી કરી રહ્યો છે. ઈન્ફર્મેશન ટેકનોલોજીના કારણે પાલિકાને એવોર્ડ મળ્યો છે તેવા પાલિકાના આઈ.એસ.ડી. વિબાગ પોલીસ ફરિયાદ બાદ પણ જાગી ન હોવાથી હજી પણ ગુગલ પર વરાછા ઝોન ઓફિસના બદલે ચીટર ટોળકીનો નંબર જોવા મળી રહ્યો છે.
સુરત મ્યુનિ.ના વરાછા ઝોનમાં નાના વરાછા સ્થિત શીવપાર્ક સોસાયટીમાં રહેતાં એક વ્યકત્તિએ પાલિકામાં મચ્છર ભગાડવાના ધુમાડા માટે ફોન કરવા માટે ગુગલ પરથી વરાછા ઝોન ઓફિસનો નંબર મળવ્યો હતો. પાલિકાની ગંભીર બેદકારીના કારણે ગુગલ પર વરાછા ઝોન ઓફિસના નંબરના બદલે 7980844630 જોવા મળે છે.
મચ્છરની ફરિયાદ કરનારા ગૌતમ ભાદાણીએ ફોન કરતા કમ્પેલન માટે 10 રૂપિયા સર્વિસ ચાર્જ ચુકવવો પડશે તેમ કહીને લીંક મોકલી હતી. લીંકમાં એપ્લીકેશનનો પીન નંબર મુકતા બીજા દિવસે એટલે 1 નવેમ્બરના રોજ તેમના ખાતામાંથી 50925 રૂપિયા કપાયા હતા.
આ ઘટનાને સુરત મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાની ઘણી જ ગંભીર ગણીને તપાસ કરીને પગલાં ભરવાની વાત કરી રહ્યાં છે. જોકે, પાલિકાના આઈ.એસ.ડી. વિભાગના અધિકારી-કર્મચારીઓ હજી પણ દિવાળીની રજાના મુડમાં હોવાના કારણે આજે પણ ગુગલ પર વરાછા ઝોન ઓફિસનો નંબરન બદલે હેકરનો નંબર જોવા મળી રહ્યો છે.
આજે વરાછાના એક નાગરિકે મચ્છરનો ત્રાસ હોવાથી ઘુમાડાની ગાડી માટે ફરિયાદ કરી હતી. ગુગલ પર જે વરાછા ઝોન ઓફિસનો નંબર બતાવવામા આવ્યો છે. તે વ્યક્તિએ હિન્દીમાં વાત કરીને કમ્પેલનના બુકીંગ માટે 10 રૂપિયા સર્વિસ ચાર્જ આપવા કહ્યું હતું. અરજદારને ગુગલ પે ભીમ એપ જેવી એપથી પૈસા આપવા માટે જણાવ્યું હતું.
પાલિકાના નામે વાત કરનારાએ એડ્રેસ અને ફરિયાદ લખીને લીંક મોકલાવી જણાવીને બેન્ક એકાઉન્ટમાંથી પૈસા આપવા કહ્યું હતું. ગુગલ પે પર લિંક કરેલો મોબાઈલ નંબર માગીને લીંક મોકલાવી તેના પર ફોરવર્ડ કરવા કહ્યુ હતું પરંતુ આજે અખબારમાં આ છેતરપીડી અંગે જાણકારી મેળવી હોવાથી અરજદારે લીંક ઓપન નથી થતી અને બેલેન્સ નથી તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ હેકર દ્વારા ફોન કટ કરવા પહેલાં બેલેન્સ કરાવીને પછી મેસેજ ફોરવર્ડ કરવા જણાવ્યું હતું.
પાલિકા તંત્રએ ગુગલ તથા અન્ય વેબ સાઈટ પર પાલિકાના વરાછા ઝોન ઉપરાંત અન્ય ઝોન ઓફિસ અને વિભાગના નંબરની ચકાસણી કરવી જરૂરી છે. વરાછામાં એક વ્યક્તિ સાથે છેતરપીડી થઈ તેની પોલીસ ફરિયાદ થઈ છે પરંતુ અન્ય લોકો સાથે છેતરપીંડી થઈ તેની શક્યતા નકારી શકાતી નથી.