અમેરિકાની સેનાની કાર્યવાહીમાં ઠાર કરાયેલા આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(IS)ના નેતા રહેલા અબુ બકર અલ-બગદાદીની મોટી બહેન સરમિયાની તુર્કીએ ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 65 વર્ષની સરમિયા અવાદની સોમવારે પરિવાર સહિત ધરપકડ કરવામાં આવી. તે પતિ અને અન્ય સબંધીઓ સાથે ઉતરી સિરિયાના અલેપ્પો પ્રાંતના અઝાઝ શહેરમાં રહેતી હતી.
ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ, રસમિયા પણ આતંકી સંગઠન આઈએસ સાથે જોડાઈ હતી. રસમિયા સંગઠનને ગુપ્ત જાણકારી આપતી હતી. તુર્કીના અધિકારીઓએ ગુપ્ત જાણકારીના આધાર પર તમામની ધરપકડ કરી લીધી છે.
અલ-કુરૈશી ISના નવા નેતા
ISના પ્રવક્તા અબુ હમજા અલ-કુરૈશીએ 31 ઓક્ટોબરે ઓડિયા મેસેજ બહાર પાડીને બગદાદીને ઠાર કરાયો હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અબુ ઈબ્રાહિમ અલ હાશિમી અલ-કુરૈશીને બગદાદીની જગ્યાએ સંગઠનનો નવો નેતા બનાવવામાં આવ્યો છે. 3 નવેમ્બરે IAS સાથે જોડાયેલા નૈસર ન્યુઝે ઈજિપ્ત-બાંગ્લાદેશના આતંકીઓની તસ્વીર બહાર પાડી હતી. તેમાં તમામ નવા નેતાને સમર્થન આપતા જોવા મળી રહ્યાં હતાં.
ટ્રમ્પે 27 ઓક્ટોબરે બગદાદી ઠાર કરાયો હોવાની પુષ્ટિ કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 27 ઓક્ટોબરે ટીવી પર લાઈવ પ્રસારણ દરમિયાન બગદાદીના મોતની પુુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકાની સેનાને આવતી જોઈને જ બગદાદીએ સુરંગમાં ભાગવાની કોશિશ કરી હતી. સુરંગમાં જ્યારે રસ્તો ન મળ્યો તો તેણે પોતાના આત્મધાતી જેકેટનો બ્લાસ્ટ કરી દીધો. તેમાં તેનું અને તેના ત્રણ બાળકોનું મૃત્યુ થયું હતું. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ટેસ્ટથી બગદાદીની ઓળખ કરી લેવામાં આવી છે.