દિલ્હી સહિતના આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણના કારણે લોકો પરેશાન છે ત્યારે ભાજપના નેતાએ વિચિત્ર નિવેદન આપ્યુ છે. મેરઠના ભાજપના આગેવાન વિનિત શારદાનુ કહેવુ છે કે, દિલ્હી અને આસપાસમાં જે પણ ઝેરીલી હવા જોવા મળી રહી છે તેની પાછળ ચીન અને પાકિસ્તાનનુ કાવતરૂ પણ હોઈ શકે છે. પાકિસ્તાન અને ચીન ભારતથી ગભરાયેલા છે. શક્ય છે કે, આ ઝેરીલી હવા તેમણે જ ભારતમાં છોડી હોય.
ભાજપના અ્ય એક નેતા અને ધારાસભ્યે પીએમ મોદીને પત્ર લખીને ઉટપટાંગ નિવેદન કરતા કહ્યુ હતુ કે, પ્રદુષણ ઓછુ કરવા માટે એરફોર્સના વિમાનોનો ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કરવો જોઈએ.
હવે ભાજપના આગેવાને પ્રદુષણ માટે બીજા દેશ પર દોષનો ટોપલો ઢોળતા તેઓ હાસ્યાસ્પદ સાબિત થઈ રહ્યા છે. આ પહેલા પાકિસ્તાનના સરકારના મંત્રીએ પણ લાહોરમાં પ્રદુષણ માટે ભારતને જવાબદાર ઠેરવતા તેમની લોકોએ મજાક ઉડાવી હતી. હવે વિનિત શારદાની પણ સોશ્યલ મીડિયા પર લોકો ફિરકી લે તો નવાઈ નહી હોય.