ભીમ આર્મીએ બસપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી તરફ દોસ્તીનો હાથ લંબાવતાં કહ્યું હતું કે આવો આપણે સાથે મળીને ભાજપ સામે લડીએ. ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ તાજેતરમાં જેલમાંથી છૂટ્યા હતા. રવિદાસ મંદિર વિધ્વંસના વિરોધમાં હિંસક દેખાવો કરવા બદલ એમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. ચંદ્રશેખરે માયાવતીને અગાઇ પણ પોતાની સાથે હાથ મિલાવવાની હાકલ કરી હતી. એમણે ફરી એકવાર માયાવતીને પત્ર લખીને એવી અપીલ કરી હતી કે આપણે સાથે મળીને હાલની સરકારની દલિત વિરોધી પ્રવૃત્તિ સામે લડીશું. તમે અમારી સાથે હાથ મિલાવો.
ચંદ્રશેખરે પત્રમાં લખ્યું…
ચંદ્રશેખરે પત્રમાં લખ્યું છે, ‘દેશની હાલની સમસ્યાઓનું નિરાકરણ માત્ર બહુજન સમાજ પાસે છે એમ મારું માનવું છે. કોઇ સમસ્યા હોય તો એ તરફ ધ્યાન ખેંચવું જોઇએ. હાલની પરિસ્થિતિમાં આવો, આપણે સાથે બેસીને પરસ્પરના મતભેદોનું નિરાકરણ કરીને નવો વિકલ્પ તૈયાર કરીએ. આપ માનનીય કાંશીરામની ટીમના કોર મેમ્બર છો અને આપનો અનુભવ અમારે માટે ખૂબ મહત્ત્વનો છે. મને આશા છે કે આપ અમારી સાથે ચર્ચામાં સહભાગી થશો.’
ચંદ્રશેખર માને છે કે માયાવતીમાં વડા પ્રધાનનું સ્થાન લેવાની ક્ષમતા
ઉત્તર પ્રદેશના સહરાનપુરના રહેવાસી ચંદ્રશેખર આમ તો માયાવતીને બુઆ (ફોઇ) કહે છે પરંતુ બંને વચ્ચે મનમેળ નથી. જો કે ચંદ્રશેખર દ્રઢપણે માને છે કે માયાવતીમાં વડા પ્રધાનનું સ્થાન લેવાની ક્ષમતા છે. એણે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી કે માયાવતી વડા પ્રધાન બનવાં જોઇએ. જો કે માયાવતી એને પોતાનો હરીફ સમજે છે અને એની હાજરીથી પોતાનું સ્થાન ડગમગી જાય એવો ડર માયાવતીને છે. એટલે એ બને ત્યાં સુધી ચંદ્રશેખરને ટાળતાં રહ્યાં છે.