મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની અંતિમ તારીખથી થોડા કલાકો પહેલા ત્યાં રાજકીય ગતિવીધીઓ ઝડપી બની હતી. શિવસેનાના ધારાસભ્યોએ ગુરુવારે ઠરાવ પસાર કર્યો હતો કે પક્ષના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં સરકાર બનાવવા અંગે અંતિમ નિર્ણય લેશે. અને આ બેઠક પછી ભાજપ પોતાના ધારાસભ્યોને ખેંચી નહીં જાય તે માટે શિવસેનાએ પોતાના તમામ ધારાસભ્યોને હોટલમાં ખસેડ્યા હતા. ઠાકરેના નિવાસ સ્થાન ‘માતોશ્રી’માં મળેલી બેઠક બાદ સમસ્ત ધારાભ્યોને રંગ શારદા હોટેલમાં ખસેડવામાં આવ્યા હતા. ધારાસભ્યોને ખરીદવાની આશંકાને ધ્યાનમાં રાખતા પક્ષે આ નિર્ણય લીધો હતો, પક્ષના મુખપત્ર ‘સામના’માં પણ કહેવાયું હતું કે તેના ધારાસભ્યોને પક્ષ બદલવા માટે લોભાવવાના પ્રયાસ કરી શકાય છે.
શિવસેનાના ધારાસભ્ય સુનિલ પ્રભુએ કહ્યું હતું ‘પ્રવર્તમાન સ્થિતિમાં સમસ્ત ધારાસભ્યો એક સાથે રહે તે જરૂરી છે. ઉદ્ધવજી જે પણ નિર્ણય લેશે તે અમને બધાને મંજૂર હશે.’
પક્ષના સમસ્ત ધારાસભ્યોની બેઠકનની અધ્યક્ષતા ઉદ્ધવ ઠાકરેએ કરી હતી જેમાં વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી અને ધારાસભ્યોએ સરકારમાં સમાન ભાગીદારી અને જવાબદારીઓના ફોર્મ્યુલાને લાગુ કરવાની વાતનો પુર્નોચ્ચાર કર્યો હતો. અઢી અઢી વર્ષ માટે ભાજપ અને શિવસેનાના મુખ્યમંત્રી રહે તે નિર્ણય પર પણ પક્ષે મજબૂત વલણ દાખવ્યું હતું. શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તારે કહ્યું હતું ‘નવા મુખ્યમંત્રી શિવસેનાથી હશે. ઉદ્ધવજી સરકાર બનાવવા અંગે અંતિમ નિર્ણય લેશે.’
એક અન્ય ધારાસભ્યએ કહ્યું હતું રાજ્યમાં ચાલી રહેલા ઘટનાક્રમના કારણે ઠાકરેને આઘાત લાગ્યો છે. તેમને લાગે છે કે વાતચીત મારફતે મુદ્દાઓનો ઉકેલ લાવી શકાયો હતો, પણ આવું થયું ન હતું. તેના બદલે જે નિર્ણય લેવાયો હતો તેનાથી પણ ઈનકાર કરાયો હતો. ઉદ્ધવજીએ કહ્યું હતું કે તેઓ ભાજપ સાથે ગઠબંધન તોડવા નથી માગતા. તેમની અપેક્ષા છે કે જે નિર્ણય લેવાયો હતો તેના પર અમલ કરવામાં આવે. તેમણે અમને રાહ જોવા કહ્યું હતું. શિવસેનાનું કહેવું છેકે લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષે ફેબ્રુઆરી મહીનામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પક્ષ અને ભાજપ વચ્ચે પદ અને જવાબદારીઓને સરખા ભાગમાં વહેંચવામાં આવશે. જ્યારે શિવસેનાએ મુખ્યમંત્રી પદની વહેંચણી અંગે વાત કરી ભાજપે તેને નામંજૂર કરી હતી.