પ્રગતિના નામે આપણે આપણા પર્યાવરણને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છીએ, જેના કારણે આપણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ જેવા ગંભીર સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. પર્યાવરણનું રક્ષણ એ માત્ર અધિકારીઓની જ નહીં, પણ સામાન્ય લોકોની પણ જવાબદારી છે. આ જવાબદારી સમજીને તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના પાસ્તાપુર ગામમાં રહેતાં 49 વર્ષીય ચિકપલ્લી અનાસુમ્માએ પોતાના જીવનમાં 20 લાખથી પણ વધુ વૃક્ષો ઉગાડ્યા છે અને ઉજ્જડ ભૂમિને લીલીછમ બનાવી દીધી છે. તેમના આ કાર્યને સંયુક્ત રાષ્ટ્રએ બિરદાવ્યું છે અને તેમને યુનેસ્કો અવોર્ડથી નવાજ્યા છે.
અનાસુમ્મા ડેક્કન ડેવલપમેન્ટ સોસાયટી (DDS)ના સભ્ય છે. નકામી થઈ ગયેલી જમીનને લીલીછમ બનાવવા તેમણે પાસ્તાપુરમાં એક જૂથ બનાવ્યું અને આસપાસના ગામોમાં ખાલી પડેલી નકામી જગ્યાને જંગલમાં ફેરવી નાખી. અનાસુમ્માએ જીવનમાં એક એવો સમય પણ જોયો હતો જ્યારે તેમને હવે આગળ શું કરવું તે તેમની સમજણથી બહાર હતું.
લગ્નના થોડાં વર્ષો પછી તેમનો પતિ તેમને છોડીને ચાલ્યો ગયો. આવી સ્થિતિમાં, તેમના પુત્રની જવાબદારી તેમના પર આવી ગઈ. તેઓ બહુ ભણેલા નહોતા. તેથી ગુજરાન ચલાવવા શું કરવું તે ચિકપલ્લી સામે મોટો પડકાર હતો. થોડા સમયમાં તેઓ કોઈક રીતે નોકરી મેળવવામાં સફળ રહ્યાં.
તેણીની નોકરી દરમિયાન જ તેણે નક્કી કર્યું હતું કે, હવે તે બાકીનો સમય પર્યાવરણના નામે કરી દેશે. આ અંતર્ગત તેઓ DDSમાં જોડાઈ ગયાં અને વૃક્ષારોપણના મિશનમાં સામેલ થયાં. DDS એ એક જમીનના સ્તરે કામ કરનારી એક સંસ્થા છે, જે હવામાન પરિવર્તન, વૃક્ષારોપણ જેવા મુદ્દાઓ પર કામ કરે છે.
આ સંસ્થામાં જોડાઇને ચિકપલ્લીએ એક ગામથી બીજા ગામ વૃક્ષારોપણનું કાર્ય ચાલુ રાખ્યું. તેમની આ જર્નીમાં તેમણે અત્યાર સુધી 20 લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે. અત્યારે અનાસુમ્મા DDSના સૌથી જૂના સભ્યોમાંના એક છે. એક જંગલ જે તેમણે તેમના પાડોશી ગામમાં તૈયાર કર્યું, તે 12-16 એકરમાં ફેલાયેલું છે. આ જંગલમાં લાકડાં, ફળ અને ઔષધીય છોડ ઉગાડવામાં આવે છે. જો કે, તેની સૌથી યાદગાર પહેલ તેલંગાણાના ઇન્દોર ગામમાં થઈ હતી. આ ગામ એ 49 ગામોમાંનું એક હતું, જે વર્ષ 1990માં સિંગુર ડેમ પ્રોજેક્ટને કારણે ડૂબી ગયું હતું. આ દુર્ઘટના થયા બાદ ચિકપલ્લી ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે આદિવાસીઓને ખાતરી આપી કે નજીકની ટેકરીને સમુદાયના ખોરાક અને આજીવિકાના સ્ત્રોત તરીકે વિકસિત કરી શકાય છે. તેમણે આશરે 40 દલિત મહિલાઓને 28 હેક્ટરમાં પથરાયેલા પડોશી જંગલના વિકાસ માટે તાલીમ આપી હતી. દરરોજ મહિલાઓ જમીનને ભેજવાળી બનાવવા માટે વાસણમાં પાણી ભરીને લઈ જતી હતી. ટૂંક સમયમાં જ જમીન ખીલવા લાગી અને એ ટેકરીનો લીલીછમ બની ગઈ.
DDSના વરિષ્ઠ સુપરવાઈઝર પદે હોવા છતાં તે હજી ગામોમાં મહિલાઓને નર્સરી વિકસાવવા તાલીમ આપે છે. પર્યાવરણ પ્રત્યેનો તેમનો જુસ્સો વિશ્વ માટે એક ઉદાહરણ છે.