ઇચ્છાપોર જીઆઇડીસીમાં આવેલી જાણીતી યુરો ઇન્ડિયા ફ્રેશ ફુડ લિમીટેડ નામની કંપનીના ભુતપૂર્વ કારીગર દ્વારા રિટર્ન માલના પેકિંગને ફરી થઈ રી-પ્રિન્ટ કરી વેચાણ કરતા હોવાનો વિડીયો ઉતારી વિડીયો હરીફ કંપની અને સોશીયલ મિડીયામાં વાઇરલ કરવાની ધમકી આપી ખંડણી પેટે રૃા. 25 લાખની માંગણી કરતા મામલો ઇચ્છાપોર પોલીસ મથકમાં પહોંચ્યો છે.
ઇચ્છાપોર જીઆઇડીસીના પ્લોટ નંબર એ/22/1 માં આવેલી જાણીતી યુરો ઇન્ડિયા ફ્રેશ ફુડ લિમીટેડ કંપનીમાં નવેમ્બર 2018 થી માર્ચ 2019 સુધી પેકિંગ વિભાગમાં હેલ્પર તરીકે કામ કરનાર અમરસીંગ હરેસીંગ પાડવી (ઉ.વ. 25 રહે. ભંગળપાની, તા. અક્કલકુવા, જિ. નંદુરબાર) એ પોતાના મોબાઇલ નંબર 9404914263 પરથી કંપનીના ચેરમેન મનહર જીવણભાઇ સાસપરા (રહે. ગ્રીન એવન્યુ એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ અને મૂળ લુવારવાવ, તા. પાલીતાણા, જિ. ભાવનગર) પર ગત તા. 28 ઓકટોબરના રોજ વોટ્સ અપ પર એક વિડીયો મોકલાવ્યો હતો. વિડીયોમાં યુરો ફ્રેશ ફુડ કંપનીના લોગોવાળા પેકિંગમાં આવેલા બેચ કોડીંગના લખાણોને કારીગરો કેમિકલ નાંખીને સાફ કરી રહ્યા હોવાનું જોઇ તેઓ ચોંકી ગયા હતા. પોતાની કંપનીમાં રિટર્ન આવેલા માલ અલગ સ્ટોરેજ કરી પેટફુટ બનાવતી કંપનીને મોકલાવવામાં આવતો હોય અને તેના ખાલી પેકેટનો નાશ કરવામાં આવે છે પરંતુ કેમીકલની મદદથી કોડીંગ લખાણ સાફ કરવાનો વિડીયો હોવાથી ચેરમેન મનહર સાસપરાએ વિડીયો મોકલાવનારને તુ કૌન હે એવો મેસેજ કર્યો હતો.
જેના જવાબમાં અમરસીંગે કહ્યું હતું કે મે કૌન હું વો જાન કે કયા કરોગે ? લેનદેન કરોગે કયા ? તેમ કહી રૃા. 25 લાખની માંગણી કરી હતી. જેથી ચેરમેન મનહરભાઇએ રૃબરૃમાં આવી વાત કરવાનું કહેતા અમરસીંગે મેરેકો બ્લેકમેલ કરનેવાલા આંડુપાંડુ સમજતા હે કયાં ? એમ કહી અવારનવાર વોટ્સઅપ પર મેસેજ કરી કંપનીને બદનામ કરવા માટે વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ કરવાની તથા હરીફ કંપનીને મોકલી આપવાની સાથે વોટ્સઅપ પર યુરો સીક્રેટ નામનું ગૃપ બનાવી વિડીયો શેર કરવાની ધમકી ઉચ્ચારી ખંડણી માંગી હતી. જેથી આ અંગે મનહરભાઇએ અમરસીંગ વિરૃધ્ધ ઇચ્છાપોર પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવી છે.
અગાઉ પણ અમરસીંગે વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી ખંડણી માંગી હતી
રીટર્ન માલના પેકિંગ પરના કોડીંગને કેમિકલ વડે સાફ કરતો વિડીયો ગત એપ્રિલ મહિનામાં અમરસીંગ પાડવીએ મોબાઇલ નંબર 9111343939 પરથી કંપનીના જે તે વખતના એચ.આર મેનેજર હેમંત જયંતિ પટેલને મોકલાવ્યો હતો. મેનેજરે કંપનીના સીઇઓ મુકેશ નાવડીયાને જાણ કરી હતી. પરંતુ અમરસીંગના કૃત્યોની જાણ કંપનીમાં જ નોકરી કરતા તેના મોટો ભાઇ વિજયસીંગ પાડવીને કરી હતી અને પોલીસ કેસ કરવાનું કહ્યું હતું. પરંતુ જે તે વખતે વિજયસીંગે અમરસીંગને સમજાવી દઇશ અને તે ફરીથી આવું નહિ કરે તેવું લખાણ લખી આપતા ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.