અમદાવાદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવક ઓછી હોવાથી અને નવા બોર્ડની નિમણૂક કરવામાં સહકાર મંત્રી દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાથી અમદાવાદ આગામી ફેબુ્રઆરીમાં ચૂકવવાનો થતો રૂા. 26 કરોડનો લોનનો હપ્તો ચૂકવી શકશે કે નહિ તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે.
નવું બજાર વિકસાવવા માટે હુડકો પાસેથી લેવામાં આવેલી લોન પર ત્રણ મહિને રૂા. 3.80 કરોડના વ્યાજ ખર્ચનો બોજ આવી રહ્યો છે. બીજી તરફ લાંભામાં નવું બજાર વિકસાવવા માટે લોન લીધી છે તે લોનના નાણાં પર વ્યાજ ખર્ચનો બોજ વધી રહ્યો છે, પરંતુ એપીએમસીના બોર્ડની રચના ન થતી હોવાથી નવું બજાર ડેવલપ કરવાના પ્રોજેક્ટને આગળ વધારી શકાતો નથી.
અમદાવાદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ કેતન પટેલને નવેમ્બર 2016માં દૂર કરવામાં આવ્યા ત્યાર પછી બે વર્ષ સુધી કોઈ જ વ્યક્તિને આ હોદ્દા પર બેસાડવામાં આવ્યા નથી. તેમને સૃથાને ગત વર્ષે નવેમ્બરમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી.
આ વહીવટદારે સામાન્ય રીતે છ માસમાં ચૂંટણી યોજીને વહીવટ બજાર સમિતિને સોંપી દેવાનો હોય છે. પરંતુ આજ દિન સુધી તેમણે ચૂંટણી માટે જાહેરનામું પણ બહાર પાડયું નથી.
ચૂંટણીની આ પ્રક્રિયા સામાન્ય રીતે 3 માસમાં પૂરી થવાની હોય છે. પરંતુ હજી સુધી જાહેરાત કરવામાં આવી ન હોવાની વહીવટદારની મુદત લંબાવવી પડી શકે છે. તેથી નજીકના દિવસોમાં કે અઠવાડિયાઓમાં ચૂંટણી થવાની કોઈ જ સંભાવના જણાતી નથી.
બજાર સમિતિની એટલ ેક બજારના બોર્ડની રચના ન થતી હોવાથી જમાલપુર માર્કેટને લાંભા ખસેડવાનો પ્રોજેક્ટ પણ આગળ વધી શકતો નથી. પરિણામે લોન પરના વ્યાજ ખર્ચનો બોજ સતત વધ્યા જ કરે છે. આગામી ફેબુ્રઆરી માસમાં બજારના વર્તમાન વહીવટદારોએ 27.51 કરોડનું વ્યાજ ચૂકવવું પડશે.
આ વ્યાજના નાણાં કેવી રીતે ચૂકવવા તે એક મોટો સવાલ છે. હુડકોની રૂા. 125 કરોડની લોનની રકમ લાંભા અને કમોડમાં એપીએમસી માટે જમીન ખરીદવા માટે વાપરી નાખવામાં આવી છે. બજાર બનતું નથી.
તેથી આ લોનના વ્યાજનું ભારણ બજારના વર્તમાન સંચાલકોને માથે આવી રહ્યું છે. પરંતુ વર્ષે અંદાજે 15થી 16 કરોડ રૂપિયાના વ્યાજનો બોજ એપીએમસી વેંઢારી શકે તેમ જ નથી. તેથી હુડકોનું િધરાણ નોન પરફોર્મિંગ એસેટ-એનપીએમાં રૂપાંતરિત થઈ જવાનો ખતરો છે.
રૂા. 125 કરોડની લોન પર વ્યાજ તરીકે ચૂકવવાના થતાં રૂા. 18.05 કરોડ ચૂકવી ન શકાતા હુડકોએ વ્યાજની બાકી રકમને મૂડીમાં ઉમેરી દીધી છે. પરિણામે હુડકોની લોનની મૂડી વધીને રૂા. 143.05 કરોડની થઈ ગઈ છે. તેના પર 11.10 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું આવે તેમ છે.
લાંભામાં જમાલપુર માર્કેટને શિફ્ટ કરવા માટે અંદાજે 1.25 લાખ વાર જગ્યા લેવામાં આવી છે. જમાલપુર માર્કેટ 16000 વાર જગ્યામાં કાર્યરત છે. પરંતુ લાંભામાં બજાર ડેવલપ કરવાની કામગીરી અત્યારે જરાય આગળ વધતી નથી. કામગીરી આગળ વધે તો વેપારીઓનું બુકિંગ આવે તો તેમાંથી લોનની રકમનું વ્યાજ અન મૂડી ચૂકવી શકાય તેમ છે.
બીજું જમાલપુરની 16000 વારની જગ્યા વેચીને તેમાંથી પણ મૂડી ઊભી કરીને હુડકોની લોન ચૂકવી શકાય તેમ છે, પરંતુ બજારના હોદ્દેદારોની ચૂંટણી યોજવાના જ કોઈ આસાર ન મળતા હોવાથી બજારમાં ગમે ત્યારે આિર્થક રીતે નબળું પડીને પડી ભાંગે તો નવાઈ પામવા જેવું નહિ હોય.
અમદાવાદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિને ડૂબાડીને ખાનગી માર્કેટ ઊભું કરવા પૂર્વ પ્રમુખ ને હોદ્દેદારો તૈયાર
અમદાવાદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિને ભીંસમાં મૂકીને લગભગ ખતમ કરવાનો કારસો રચનારાઓએ અમદાવાદને એસપી રિંગરોડની પરિસરમાં ખાનગી કૃષિ ઉત્પન્ન બજાર રચવાની તૈયારી કરવા માંડી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ખાનગી માર્કેટના નિર્માણ માટે ગમે ત્યારે ખાતમૂહુર્ત કરવામાં આવે તેવી પણ સંભાવના છે.
બાકરોલમાં લેવામાં આવેલી બે લાખ વાર જમીન એપીએમસીને નામે ચઢાવાઈ નથી
દસ વર્ષ અગાઉ એપીએમસી માર્કેટને બાકરોલમાં ટ્રાન્સફર કરવા માટે રૂા. 27 કરોડના ખર્ચે મોટી જમીનની ખરીદી કરવામાં આવી હતી. આઘાતજનક બાબત તો એ છે કે 2009માં ખરીદેલી જમીનમાંથી એક વાર જમીન પણ આજે એપીએમસી અમદાવાદના નામે થઈ જ નથી. આમ તેના પૂરે પૂરા નાણાંનો દુર્વ્યવહાર થઈ ગયો હોવાનું જણાય છે.
આ સમયે એપીએમસીના ચૅરમેન પદે બાબુલાલ જમનાદાસ પટેલ હતા. વાઈજ ચૅરમૅનના હોદ્દા પર હિતેશ બારોટ હતા. આ જમીનની ખરીદી કરવા માટે ગણોતધારાની કલમ 63એએ હેઠળ કલેક્ટર પાસેથી ખાસ મંજૂરી લેવી જરૂરી છે. પરંતુ એપીએમસી દ્વારા આ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી.
ખેડૂત પાસેથી કોઈપણ બિન ખેડૂત હસ્તી જમીન ખરીદે ત્યારે આ મંજૂરી લેવી અનિવાર્ય છે. ગણોત ધારાની જોગવાઈ મુજબ એપીએમસી ખેડૂતની કેટેગરીમાં આવતી નથી. પરિણામે જમીનના આ સોદામાં એપીએમસીના રૂા.27 કરોડ ચવાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બે લાખ વાર જમીન ખરીદનારાઓ પાસે સરકારે હિસાબ માંગવો જોઈએ. બે લાખ વારની જમીનના આ ટુકડામાં ચાર સર્વે નંબર એવા છે કે એપીએમસીને જમીન વેચનારાઓના નામે જ તે જમીન નથી. સાતબારના ઉતારામાં જેમના નામ જ નથી તેમની પાસેથી આ જમીન ખરીદવામાં આવી છે.